Parichay Talks :- (Freend Book) Dt :- 26-03-23 આજે વિશ્વ કવિતા દિવસ ... કવયિત્રી :- શિલ્પા પાઠક પ્રજાપતિ, - વડોદરા.

 આજે વિશ્વ કવિતા દિવસ ... 

કવયિત્રી :- શિલ્પા પાઠક પ્રજાપતિ, - વડોદરા.


આજે વિશ્વ કવિતા દિવસ,

રાહી ના મળે તો રાહ જતી કરી દે,
મંઝીલે પહોંચવા કરતા પાછા ફરી ગયા,

બહુ અડગ મનનાં હતા એવું લાગતું,
શ્વાસ લેતાલેતા નિસાસા નડી ગયાં.

રાહ પર કંટક હતી કોને ખબર હતી,
ફુલોના સુંગધની મોહે ઉપવન બનાવી ગયાં.

શિલ્પની હાજરી નડવા લાગી તો છોડી,
અજીબ રસમ પ્રાણપતિષતા પછી વિસર્જન.



Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 યાત્રા.... કવિયત્રી :- વનિતા રાઠોડ - રાજકોટ

 યાત્રા....     કવિયત્રી :-  વનિતા રાઠોડ -  રાજકોટ


 યાત્રા હોય છે બધાંની જુદી, 

કોઈની ધરતીથી આકાશ સુધી, 

કોઈની આત્માથી પરમાત્મા સુધી, 

કોઈની જીવથી શિવ સુધી, 

કોઈની આરંભથી અંત સુધી, 

કોઈની સ્થૂળથી સૂક્ષ્મ સુધી, 

કોઈની હિંસાથી અહિંસા સુધી, 

કોઈની આત્માથી પરમાત્મા સુધી, 

કોઈની બિંદુથી બ્રહ્માંડ સુધી, 

કોઈની માત્ર ઘરથી સ્મશાન સુધી.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 કાચીંડાઓ અને ખડમાંકડાઓ.... કવિ : - સોલંકી રણજીતસિંહ એન. - માંડવા

કાચીંડાઓ અને ખડમાંકડાઓ.... કવિ : - સોલંકી રણજીતસિંહ એન. - માંડવા


કાચીંડાઓ અને ખડમાંકડાઓ હવે ટૂંકા પડે છે,

આજનો માણસ એટલા રંગ બદલે છે.

ખભે હાથ મૂકી હુલાવે પીઠમાં ખંજર,

બસ આમ જ  સંબંધોના નામ બદલે છે.

વાયદાઓ કરે અને વચનો પણ આપે છે,

અને ખરા સમયે એ તો સરનામાં બદલે છે, 

છે ખરી બલિહારી આ એના ચિલમનની,

આજ આ તો કાલે બીજો એ તો નકાબ બદલે છે.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 " કવિતાઓ મારી " કવિયત્રી :- હેતલ. જોષી... રાજકોટ

" કવિતાઓ મારી "   કવિયત્રી :-  હેતલ. જોષી... રાજકોટ


શબ્દો મળ્યા મારા લાગણીને મને મારી આ કવિતાઓ થકી 

મળી એક અલગ ઓળખાણ મને મારી આ કવિતાઓ થકી 

મળ્યા મારા અનેક સપનાઓ ને રૂપ અને રંગ મારી કવિતાઓ થકી 

થઈ અનેક યાદો જીવંત મારી આ કવિતાઓ થકી 

થઇયું જીવન મારું સુંદર મારી આ કવિતાઓ થકી 

મળ્યા અનેક રૂપ મારા જીવન ને આ કવિતાઓ થકી 

થયું જીવન મારું પૂર્ણ આજ મારી આ કવિતાઓ થકી

છે જીવનનો એક આધાર આ કવિતાઓ મારી

છે જીવન મારું આજ કવિતાઓ મારી...આ કવિતાઓ મારી.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 ક્યારેક તુ હસાવે છે .... કવિયત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર

ક્યારેક તુ હસાવે છે .... કવિયત્રી :-  નિમુ ચૌહાણ " સાંજ " -  જામનગર


ક્યારેક તુ હસાવે છે ક્યારેક રડાવી દે છે,

તારો જ સંગાથ ક્ષણે ક્ષણ જીવાડી દે છે.

તારી અદ્રશ્ય દુનિયામાં મહાલવુ ખૂબ ગમે,

તારી અક્ષરોની ભાષા હ્રદય ઉઘાડી દે છે.

સ્વપ્ન નગરો ,અલૌકિક સોહામણા પથ,

અપદ્રષ્ટ રહી સર્વે મંઝીલો પમાડી દે છે.

પન્નેપનામાં નવલી અમુલ્ય સોડમ ઉભરાય,

એ અનેરુ અત્તર રોમેરોમને મહેકાવી દે છે.

ના છોડીશ તારો સાથ તુ જીવતરનો ઉજાશ,

સાંજ પ્રિય પુસ્તક જ આખરમાં ઉગારી દે છે.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 નારાજગી .....કવિયત્રી :- વર્ષા ભટ્ટ (વૃંદા) - અંજાર

 શીર્ષક        :-  નારાજગી .....કવિયત્રી :- વર્ષા ભટ્ટ (વૃંદા) - અંજાર


રૂઠેલા પીયુને મનાવવાની મજા કંઈક અલગ છે.

તેનાં ફૂલેલા ગાલ, મોં પરની નારાજગી જોવાની મજા કંઈક અલગ છે.

માની જાય પછી પ્રેમ કરવાની તલપની મજા કંઈક અલગ છે.

ઉરમાં સચવાયેલાં સ્પંદનોની ઝણઝણાટી કંઈક અલગ છે.

કોરાં હોંઠો ભીનાં થઈ જવાની મજા કંઈક અલગ છે.

આલિંગનમાં લઈને પ્રેમ કરવાની મજા કંઈક અલગ છે.

નારાજગી દૂર થઈ અને તેનાં હસતાં ચહેરાની મજા કંઈક અલગ છે.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 શબ્દ છે ઈશ્વર....દિવ્યા એમ.પુરોહિત "બંસરી" - રાજુલા, અમરેલી.

શબ્દ છે ઈશ્વર....દિવ્યા એમ.પુરોહિત  "બંસરી"  - રાજુલા, અમરેલી.


 શબ્દ છે ઈશ્વર અમારો શબ્દ પ્રાણાધાર છે,

એક અડધા મૌન વચ્ચે શબ્દ નો રણકાર છે.

શ્વાસની આખી કવિતા એ જ છે આ જિંદગી,

શબ્દ સંગે શબ્દ ભળતા શબ્દનો હોંકાર છે.

મનના ખાલી ઓરડે શબ્દો ભર્યા છે સામટા,

એ જ આખું મિલકતો નો એટલો વિસ્તાર છે.

એક ટહુકારા સુધીનો માર્ગ શોધે આ નયન,

મોરપંખી નાદ જેવો શબ્દનો ટહુકાર છે.

હું કવિતાનો કિનારો જાત નો છેડો ગણું,

 એ જ તો અંતર મહી ધબકી રહ્યો ધબકાર છે.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 પ્રણય કવિતા.... કવિ :- વહીદ શાહ - બોટાદ

પ્રણય કવિતા....  કવિ :- વહીદ શાહ - બોટાદ

એ દિવસે -  એ ચા - રે આવી

હું એના જ વિચારોમા મગ્ન હતો..

પહેલાં આવવાની ના પાડે છે. પણ,

મે વિચાર્યુ..... અબજો માણસો ની વચમાં 

તે - મારી પાસે જ કેમ આવી... થોડી હિંમતે 

તેને અંદર ખેચી લીધી પછી...

કોઈ પ્રિયતમ પ્રિયા ને આલિંગનમાં ખોવાય...

એમ તેના આલિંગન મા ખોવાયો

એનો સ્પર્શ હું પામી શક્યો નહી..

ને...  એ પણ મારો સ્પર્શ નહી પામી શકી હોય..

ઓચિંતા જ સવા - ચારે એ જતી રહી

હું એને...ન સમજી શક્યો.... ન પામી શક્યો..

એના સ્પર્શની અનુભૂતિ મને હવે થઈ

હવે...તો... કોણ જાણે ફરી, 

એ દીવાની આંછી જ્યોત મા કોઈ નવોઢા...

 પરણ્યા ની...પ્રથમ રાત્રીએ...

પતિની બાહોપાશ મા ખોવાય

એમ, મારા અચેતન મન માંથી

કોરા હ્રદય મા શબ્દરૂપી દેહ ધરી

એ  પ્રણય કવિતા .....

હવે, ક્યારે આવશે......??!!

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 કવિતા રચાઈ .... કવયિત્રી : - - જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

 કવિતા રચાઈ .... કવયિત્રી : - - જુલી સોલંકી ' સચેત '  ભુજ-કચ્છ


મન મહી આજ વિચારો શબ્દરૂપે એ લખાઈ ગઈ;

ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.

કવિની સંવેદના અંતર મહી સ્પર્શીને એ સમાઈ ગઈ.

ત્યારે પ્રકૃત્તિની સોળે કળાએ આજ એ ખીલી ગઈ. 

કવિતા મહી આજ મધૂર સંગીતના સૂરે એ રચાઈ ગઈ;

ત્યારે સૂરના એ જ તાલ કવિની રચના એ  પૂરવતી ગઈ.

અનેક પીડાઓ સંગ, કવિની કલમ પસાર થઈ ગઈ;

ત્યારે અંતરે સુખ અનુભવતાં આનંદ એ માણી ગઈ. 

કવિની કલમએ આજ જીંદગીના પાઠ શીખવી ગઈ;

ત્યારે જીવન મહી શાંતિની સુગંધ એ ફેલાવી ગઈ. 

મન મહી આજ વિચારો શબ્દ રૂપે એ લખાઈ ગઈ;

ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.

Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 કવિતા દિવસ.... કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.

 કવિતા દિવસ....  કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.


કવિતા દિવસ....  કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.

મનની વાતને રજુ કરતી એક કડી,

વિચારને વિચારોનો સંગમ કરાવતી કડી,

હૈયે ઉમટી રહેલા ચક્રવાતને શાબ્દિક રીતે શણગારતી એક કડી,

વેદના લાગણીઓને શાબ્દિક હારમાળાથી બનતી એક કડી,

સફરે સફરે નિકળતા શબ્દોથી બનતી કડી,

કડીઓની હારમાળાથી ગુંથાતી એક કડી,

કવિઓનુ હથિયારને વાગદેવી શારદા દ્વારા પ્રદાન વિદ્યાને રજુ કરતી કડી,

વિચારોને શબ્દોને પરસ્પર છેદતી એક કડી એ...

મનને હળવું કરતી એક કડી એ કાવ્ય.



Parichay Talks (Education News) Dt :- 21-03-23 ભાવનગરની બાડી પ્રા. શાળામાં બે દિવસ રમતોત્સવ 2023નું આયોજન કરાયું.

 ભાવનગરની બાડી પ્રા. શાળામાં બે દિવસ 

રમતોત્સવ 2023નું આયોજન કરાયું.



        ભાવનગરની બાડી પ્રા. શાળામાં બે દિવસ રમતોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું, દરેક વર્ગના બાળકોએ ઉત્સાહથી ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું.

        આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક રામભાઈ એ ખુબજ મહેનત કરી અને શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો તેમજ શાળાના આચાર્ય એ માગદર્શન આપ્યું અને કાર્યક્રમને સફળ બનાવ્યો.



Parichay Talks (Education News) Dt :- 21-03-23 જેતલપુર પ્રા. શાળા-દસકોઈ, જિ-અમદાવાદમાં અંગ્રેજી વિષયના યુનિટ - 3ની સ્પીકિંગ કરવાનું આયોજન કરાયું.

 જેતલપુર પ્રા. શાળા-દસકોઈ, જિ-અમદાવાદમાં અંગ્રેજી વિષયના 

યુનિટ - 3ની સ્પીકિંગ કરવાનું આયોજન કરાયું.



        જેતલપુર પ્રા. શાળા - દસકોઈ, જિલ્લા-અમદાવાદમાં ધોરણ - 8ના વિધાર્થીઓએ અંગ્રેજી વિષયના યુનિટ - 3ની એક્ટિવિટી-4, ઇટિંગ કોપીટીશન સ્પીકિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું, આ કોપીટીશનમાં  શાળાના 10 વિધાર્થીઓએ ખૂબજ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, અને ઈગ્લીશમાં વાત ચિત કરી હતી.શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
        આ એક્ટિવિટીનું આયોજન શાળાના શિક્ષક જિજ્ઞાસા એમ ત્રિવેદીએ બાળકોને તૈયારી કરાવી હતી, અને કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો,આ કાર્યક્રમ માટે આચાર્ય કનૈયાલાલ લાખાણીએ માર્ગદર્શન આપ્યું હતું, આ કાર્યક્રમનો હેતુ બાળકો સહેલાયથી અંગ્રેજીમાં વાત કરી શકે અને અંગ્રેજીને સમજી શકે તેવો હેતુ હતો, અને દરેકના સહકારથી એક્ટિવિટી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Parichay Talks (Education News) Dt :- 21-03-23 ગારિયાધારની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર હિરાણીને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા,

 ગારિયાધારની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક 

પરેશકુમાર હિરાણીને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા,


ગારિયાધારની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર હિરાણીને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા, કોરોનાનાં સમયમાં શેરી શાળા જેવો નવતર અભિગમ હાથ ધરી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો હતો

ગારિયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણીનું તલગાજરડા ખાતે વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ ના વરદહસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

પરેશકુમાર હિરાણીનાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્યને બિરદાવતા પ.પુ. મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પરેશકુમાર હિરાણીએ કોરોના કાળમાં જ્યારે ઓફલાઇન શાળાઓ બંધ હતી ત્યારે ઘર-ઘર શિક્ષણ ત્યાર બાદ શેરી શાળાના માધ્યમથી બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ભગીરથ પ્રયાસ હાથ ધરેલ હતા.

શેરી શાળામાં આવતા બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સ્વખર્ચે નાસ્તો તથા શૈક્ષણિક સામગ્રી પુરી પાડવામાં આવતી હતી, તેમજ શેરી શાળામાં સ્વખર્ચે ટી.વી. મુકી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવે તેવો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં જન જાગૃતિ અભિયાન, આવનારી પેઢી ને વારસામાં ઓક્સિજન આપીએ ચાલો વૃક્ષ વાવીએ કાર્યક્રમ, રસીકરણ અભિયાન, ઉકાળા વિતરણ જેવા અનેક કાર્યો થકી પરેશકુમાર હિરાણી દ્વારા લોકસેવાની જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે.



Parichay Talks (Education News) Dt :- 21-03-23 ભાવનગરની ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે પર્યાવરણીય શિબિરનું આયોજન કરાયું.

 ભાવનગરની ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે પર્યાવરણીય શિબિરનું આયોજન કરાયું.








        ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે તારીખ 19 જાન્યુઆરી 2023 ના રોજ ઇકોલોજી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર તરફથી એક પર્યાવરણીય શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર તરફથી પધારેલા અધિકારીઓએ બાળકોને પર્યાવરણ વિશે સ્લાઈડ શો તેમ જ ઓડિયો વીડિયોના માધ્યમ દ્વારા સમજણ આપેલ, તેમજ પ્રશ્નોત્તરી કરેલી આ પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ આપનાર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
        આ ઉપરાંત શાળાને પર્યાવરણને લગતા નવ પુસ્તકો તેમજ શીલ્ડ અર્પણ કરવામાં આવ્યો આ ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવેલ, આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ધોરણ 8 ના વર્ગ શિક્ષક ધારાબેન ચાવડા, પાંચાભાઇ મકવાણા, ધર્મેશભાઈ મકવાણા તેમજ શાળાના આચાર્ય કમલેશભાઈ ભટ્ટે ખૂબ જહેમત ઉઠાવી, તેમજ ભરતભાઈ ગોહિલએ પણ આ કાર્યક્રમમાં ખુબજ જહેમત ઉઠાવેલ છે.અને કાર્યક્રમને સફળ બનાવેલ છે.


Parichay Talks (Education News) Dt :- 21-03-23 બોટાદમાં મુખ્ય માર્ગો પર વિધાર્થીઓ તેમજ ચિત્રકારો દ્વારા ચિત્ર દોરાયા.

 બોટાદમાં મુખ્ય માર્ગો પર વિધાર્થીઓ તેમજ ચિત્રકારો દ્વારા ચિત્ર દોરાયા.


        26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ST બસ સ્ટેશનની દીવાલ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સરકારી હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર ઝાપડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ‘આઝાદી અમર રહો’નો સંદેશ આપતા સુંદર ચિત્રો વડે બસ સ્ટેન્ડની દીવાલો સુશોભિત કરવામાં આવી હતી.
        બોટાદના મહત્વના રસ્તાઓની દીવાલો પર ચિત્રો દોરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું અનેરૂં યોગદાન આપી રહ્યા છે. આગવી ઓળખ ધરાવતા બોટાદ શહેરને દેશભક્તિની ભાવના પ્રબળ બનાવતા ચિત્રો વડે રંગબેરંગી બનાવવાની કામગીરી થઈ રહી છે.


Parichay Talks (Education News) Dt :- 21-03-23 ભાવનગર માંથી કુલ 15 સીએ, હેત્વી શાહ પ્રથમ નંબર મેળવ્યો.

 ભાવનગર માંથી કુલ 15 સીએ, હેત્વી શાહ પ્રથમ નંબર મેળવ્યો.


          નવેમ્બર મહિનામાં લેવાયેલી CAની ફાઇનલ પરીક્ષા અને સીએ ઇન્ટર મિડીયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાવનગરમાંથી 15 તારલા સીએ થયા છે. CA ફાઈનલમાં અમદાવાદના વેદાંત ક્ષત્રિય સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે આવ્યો છે. તે ઉપરાંત ઓલ ઈન્ડિયા રેન્કમાં અમદાવાદનાં પાંચ અને સુરતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો ઇન્ટર મીડિયેટની પરીક્ષાનુ઼ પરિણામ જાહેર થયુ઼ તેમાં ભાવનગરનો સ્મિત ધ્રૂવ ઓલ ઇન્ડિયામાં 19મા રેન્કમાં ઉત્તિર્ણ થયો છે. સીએ ફાઇનલમાં ભાવનગરમાં હેત્વી શાહ પ્રથમ ક્રમે છે.
          ભાવનગરમાં જે જે તેજસ્વી તારલા સી.એ. થયા છે, તેમાં હેત્વી શાહ, દિવ્યા ગોહિલ, અક્ષત ધ્રૂવ, ધ્રૂવી ખાટસૂરિયા, મીહિરરાજસિંહ, રીખવ શાહ, મારગી પટેલ, પ્રિયાંશી મહેતા, રૂષભ શાહ, શુભમ બક્ષી, નીતિન રામચંદાની, પારીતોષ શાહ, સંકેત વોરા, વિશાલ કુકડીયા તથા જયશ્રીબેન અખયાનીનો સમાવેશ થાય છે, તેમ ભાવનગર બ્રાન્ચના ચેરમેન સીએ આદિલ દોલાએ જણાવી તમામને શુભેચ્છા પાઠવી હતી.
         દરમિયાનમાં પ્રથમ નંબરે પાસ થયેલી હેત્વીએ જણાવ્યું હતુ કે તે અંતિમ તબક્કામાં રોજના 12 કલાકથી પણ વધુ તૈયારી કરતી હતી. વ્યવસ્થિત આયોજનને કારણે હું આ સીમાચિહ્ન હાંસલ કરી શકી છું. આત્મવિશ્વાસ, સ્માર્ટ વર્ક, ખંત અને ધૈર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. મને હંમેશા પ્રોત્સાહિત કરવા બદલ મારા પરિવારજનો, ગુરુજનો અને મિત્રોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે.
ઇન્ટર મીડિયેટના ટોપ ફાઇવ રેન્કર સ્મિત ધ્રૂવ À હરેશ મીતુલભાઇ, દ્રષ્ટિ કુવાડીયા À મિતુલ ચૌહાણ, પાર્થ પારેખ


Parichay Talks (Education News) Dt :- 21-03-23 જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ માટે "ભારતીય વાયુ સેના" દ્વારા કારકિર્દીલક્ષી આયોજન કરાયું.

 જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ માટે

 "ભારતીય વાયુ સેના" દ્વારા કારકિર્દીલક્ષી આયોજન કરાયું.



         ભાવનગરમાં જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ માટે "ભારતીય વાયુ સેના" દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પરિસંવાદ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. ભાવનગરના જ એવા એર ફોર્સ સિલેકશન બોર્ડના અધ્યક્ષ વિંગ કમાન્ડર નરેન્દ્રસિંહ ચુડાસમા વિદ્યાર્થીઓને ઇન્ડિયન એર ફોર્સમાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે સદા અગ્રેસર તેમજ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ઠ કારકિર્દી માટે હંમેશા તત્પર અને સજાગ એવી જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ભારતીય વાયુ સેનાના સહયોગથી ભારતીય વાયુ સેનામાં કારકિર્દી બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ફ્લાઇટ સિમ્યુલેટર અને અન્ય આધુનિક ગેજેટ્સથી સજ્જ એવું - ઇન્ડક્શન પબ્લિ
         ઇન્ડિયન એર ફોર્સ દ્વારા દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ ખાતે જ આ પ્રકારના ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ તેમજ ફ્લાઇટ સિમ્યુલેટર અને અન્ય ગેજેટ્સ ના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી તરીકે ઇન્ડિયન એર ફોર્સ પસંદ કરવા તરફ પ્રેરિત કરવામાં આવે છે જેમાં 500થી પણ વધુ વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ ઉડાડવા માટેની વર્ચુઅલ અનુભૂતિ અને
વિંગ કમાન્ડર એન.જે. ચુડાસમા કે જે મૈસુર સ્થિત એરફોર્સ સિલેકશન કમિટી બોર્ડના અધ્યક્ષ છે તેમને વિદ્યાર્થીઓને ઇન્ડિયન એર ફોર્સમાં કારકિર્દી માટે પ્રેરિત કરતા કહ્યુકે આપણે જે યુનિફોર્મ પહેરીએ છીએ તે આપણા મૂલ્યો, પરંપરાઓ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને "ટચ ધ સ્કાય વિથ ગ્લોરી"ના મોટો સાથે ઇન્ડિયન એર ફોર્સ આપણને લાઈફ લાર્જર ધેન લાઈફ પ્રદાન કરે છે. ઇન્ડિયન એર ફોર્સમાં જોડવા માટેની સંપુર્ણ કાર્યવાહી, ફ્લાય ડીપાર્ટમેન્ટ તેમજ ટેકનીકલ અને નોન ટેકનીકલ ગ્રાઉન્ડ ડીપાર્ટમેન્ટ અંગેની સમજ અને દરેકમાં જરૂરી શૈક્ષણિક લાયકાત એ ઉપરાંત “નેશનલ ડીફેન્સ એકેડેમી" અને "એર ફોર્સ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ” વિષે સઘન જાણકારી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. તકનીકી સમજ આપવામાં આવી હતી.સિટી એક્ઝિબિશન વ્હીકલ પણ જ્ઞાનમંજરી કેમ્પસ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


Parichay Talks (Education News) Dt :- 21-03-23 તળાજાનો યુવાન નિરાધારનો આધાર બન્યો ખરા અર્થમાં સેવા કરી.

 તળાજાનો યુવાન નિરાધારનો આધાર બન્યો ખરા અર્થમાં સેવા કરી.


         સોશિયલ મીડિયાના માધ્યમથી સેવા કરવાની પ્રેરણા મેળવી રહ્યા છે, તળાજાના યુવાનોમા સેવાની ભાવના વધી રહી છે.સેવા કરવા માટે આર્થિક રીતે સંપન્ન હોવું જરૂરી નથી. ખરાઅર્થમાં સેવા થતી હોવી જોઈએ. તળાજામા શાક અને ફ્રૂટ વેચવાનો વ્યવસાય કરી આર્થિક રીતે સમાન્ય પરિવારના વિક્રમભાઈ બારૈયા દ્વારા તાજેતરમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલ ત્રણ બહેન અને એક ભાઈને ઘરનો આશરો દાતાઓની સખાવતથી કરી આપી સેવાકાર્યનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે.

        આંગણકા ખડસલીયા ગામના વતની દાનાભાઇ અને તેના પત્નીના અકાળે અવસાન બાદ નિરાધાર બનેલ ત્રણ દીકરીઓ અને એક દીકરાને રહેવા માટે પાકું મકાન પણ ન હતું.જોઈતી ઘર વખરી પણ ન હતી. આ પરિવારને મદદ માટે અપીલ કરવામાં આવી ત્યારે કોઈએ તન થી તો કોઇએ ધનથી મદદ કરવા માટે હાથ દાતા તરીકે લાંબો કર્યો. ધાબાવાળુ મકાન ત્રણેક માસના ટૂંકા ગાળામાં જ તૈયાર થઈ ગયું.માતા પિતા વિહોણી નિરાધાર ત્રણ દીકરી અને એક દીકરા માટે ગ્રહ પ્રવેશ કરાવવાના સમયે દાતાઓએ અનાજનું પણ દાન કર્યું હતું સાથે જોઈતી ઘર વખરી પણ આપીને નિરાધારનો આધાર બનીને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે.



Parichay Talks (Education News) Dt :- 21-03-23 ભાવનગરમાં જિલ્લા કક્ષાની નિબંધ વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન થયું.

 ભાવનગરમાં જિલ્લા કક્ષાની નિબંધ વકતૃત્વ, 

ચિત્ર સ્પર્ધાઓનું આયોજન થયું.


          રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી, સંચાલિત અરવિંદ ઘોષની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે કરાયું હતું. જે સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવેલ હોય તે સ્પર્ધકોએ સમયસર હાજર રહીને પોતાનું રિપોટિંગ કર્યું હતું.
         વકતૃત્વ સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી માહિતી મેળવી હતી. આ સ્પર્ધા 15 થી 35 વર્ષના સ્પર્ધકો માટે બે વિભાગમાં (અ વિભાગ- 15 વર્ષથી 19 વર્ષ સુધીના અને બ વિભાગ- 19 વર્ષ ઉપરના અને 35 વર્ષ સુધીના) સ્પર્ધા યોજાનાર છે.
         આ સ્પર્ધા જિલ્લાકક્ષાએ યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લાકક્ષાએ પ્રથમક્રમે વિજેતા થનાર સ્પર્ધકને રાજ્યકક્ષા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. વધારે માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-2, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી પણ માહીતી મેળવી શકાશે.


Parichay Talks (Education News) Dt :- 21-03-23 ભાવનગરની કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે નિબંધ તથા પોસ્ટર મેકિંગ હરિફાઈ યોજાઈ.

 ભાવનગરની કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે 

નિબંધ તથા પોસ્ટર મેકિંગ હરિફાઈ યોજાઈ.


         ભાવનગર શહેર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે આજરોજ NSS યુનિટ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદના જીવન વિશેનું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા તેમજ પોસ્ટર મેકિંગ હરિફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
         શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સરકારી ઈજનેરી કોલેજ સંસ્થા ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ.જી.પી.વડોદરીયા તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિમાંશુ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવેકાનંદના જીવન વિશેનું વ્યાખ્યાન તજજ્ઞ બાબ પંડ્યા તેમજ દિનેશ ખાટસૂરિયા દ્વારા આપવામાં આવ્યું હતું.
         વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના આદર્શ મૂલ્યોથી અવગત કરવામાં આવ્યા તથા સંસ્થાના પ્રોફેસર એ.જી.કુંટે હાજર રહી વિદ્યાર્થીઓઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે સ્વામીજીના જીવન-ચરિત્ર પર નિબંધ સ્પર્ધા તેમજ પોસ્ટર મેકિંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના NSS કોર્ડિનેટર પ્રો.દર્શન ભટ્ટ તેમજ પ્રો.કમલેશ મકવાણા તથા અન્ય સ્ટાફ-મેમ્બર્સએ ભારે જહેમત ઉઠાવી હતી.


Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 20-03-23 "રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર" લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ

કોલમનું નામ :- “ થોડાંમાં ઘણું “

 "રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર" 

લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે,  " રાત્રે વહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર, બલ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર."

       આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા સંતો અને યોગીઓ આ વાતમાં માનતા હતા. તેથી જ તેઓ વહેલી સવાર માં જાગી યોગ અને સાધના કરતા હતા.  તેના દ્વારા ઘણી સિદ્ધિઓ તેઓએ હાંસલ કરેલી હતી. હાલમાં જ ઇન્ટરનેશનલ બુક શેલર એવી પુસ્તક ધ ફાઈવ એએમ ક્લબ વાંચવામાં આવી. વિશ્વની નંબર વન બેસ્ટ બુક સેલર બુક " ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી" ના લેખક રોબીન શર્મા દ્વારા આ પુસ્તક લખાયેલું છે.
         આ પુસ્તકમાં પણ પરોઢ નો ઉપયોગ કરી જીવનમાં પરિવર્તન લાવવાની વાત કહેવામાં આવી છે. આ પુસ્તકમાં લોકોના જીવનને બદલવાની તકનીક છે. દરેક જનરેશનના એટલે કે દરેક ઉંમરના વ્યક્તિઓને ઉપયોગ થઈ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. વાંચનારના જિંદગીને સંપૂર્ણ પણે બદલી નાખનાર આ પુસ્તક છે. 285 પેજીસની આ પુસ્તકમાં પાના પાના પર અદભુત બાબતો લખાયેલી છે. વ્યક્તિ પોતાની બધી જ ઇન્ટિમસીમાં ગ્લોરી પ્રાપ્ત કરી શકે. પોતાના અંગત સંબંધો પોતાની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓને ઉચ્ચતમ રીતે સફળ બનાવી શકે.
          વાંચનાર પોતાની જિંદગીને ભવ્ય બનાવી શકે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય મેળવી શકે અને મહત્તમ માનવતાવાદી જીવન જીવી શકે એવી બાબતો આ પુસ્તકમાં લખવામાં આવી છે. લેખકની ચાર વર્ષની મહેનત બાદ આ પુસ્તક લખાયેલું છે. જેમાં જીવનને બદલી નાખવાની ક્ષમતાને જાણવા અને સમજવા માટે મદદ મળે. વહેલા ઊઠવાની આદત જીવનમાં સર્વોત્તમ પરિણામ લઈ આવે અને ખુશી સાથે જીવનનો ભરપૂર આનંદ માણી શકાય એ વાત આમાં લખાયેલી છે. લીડરશીપ અને પર્ફોર્મન્સના નિષ્ણાત  રોબીન શર્માએ ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા "ધ ફાઈવ એએમ ક્લબ" નો વિચાર રજૂ કર્યો હતો. તેનો આધાર લઈને સવારનું ક્રાંતિકારી રૂટીન બનાવી તેમના ઘણા ક્લાઈન્ટસ પોતાની ઉત્પાદકતા વધારવા, સ્વાસ્થ્ય સુધારવા અને મનની શાંતિને જીવનમાં સુનિશ્ચિત કરવામાં સફળ બન્યા છે.
          આ પુસ્તકમાં જીવનમાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા વ્યક્તિઓના જીવનમાં એક ઉદ્યોગપતિ સંપર્કમાં આવે છે અને એમનો માર્ગદર્શક બને છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સમજદાર વ્યક્તિઓની અસાધારણ સિધ્ધિઓ મેળવવા માટે તેઓ લોકોએ પોતાના સવારના સમયનો પ્રારંભ કેવી રીતે કરે. વહેલા ઊઠવાની આદતથી પોતાના જીવનના વિઝનને ફોકસ કરીને મહત્તમ પરિણામ શી રીતે મેળવી શકાય ? વહેલી સવારના નીરવ શાંતિનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી અને તેમાં કસરત, આત્મજ્ઞાન, તેમજ વ્યક્તિગત વિકાસને માટે સમય જીવનમાં કઈ રીતે ફાળવવો એ જાણી શકાય.
         મોટાભાગના લોકો જ્યારે સૂતા હોય ત્યારે મનોબળ આધારિત પ્રેક્ટિસ કઈ રીતે કરવી? આપણા વિચારોને રચનાત્મક રીતે કઈ રીતે વ્યક્ત કરવા અને આપણા દિવસની શરૂઆત શાંતિપૂર્વક રીતે કઈ રીતે શરૂ કરવી તે બાબતની માહિતી પુસ્તકમાં આપેલી છે. આપણી ક્ષમતા, કુશળતા અને સપનાઓને આગળ વધારવા માટે ડિજિટલ દુનિયામાં ખૂપી રહેવાને બદલે અને અન્ય સામાન્ય બાબતોમાં માથું મારવાને બદલે અંતઃસ્ફુરણા ઉપર ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું કે જેથી સમૃદ્ધિ અને પ્રભાવનો આનંદ માણી શકાય.
          દુનિયા ઉપર આપણી અસર કઈ રીતે ઊભી કરી શકાય ? એ વાત આ પુસ્તકમાં લખવામાં આવી છે. આમ તો પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે. જેમ શારીરિક કસરત કરીએ અને શરીરને ફાયદો થાય. તેમ જ મગજની કસરત માટે પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. પુસ્તક વાંચવા એ એક પ્રકારનું ધ્યાન છે. પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય અને એકાગ્રતા વધે છે. સફળ લોકોના જીવનમાં એક લાઇબ્રેરી હોય છે. સફળ લોકો ખૂબ સારું વાંચન કરતા હોય છે. કહેવાય છે કે દુનિયામાં માણસને ખરેખર શું જોઈએ છે? અને એ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ? માણસ પોતાની મહત્વકાંક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકે? એ તમામ વસ્તુઓ આ દુનિયાના પુસ્તકોમાં લખાઈ ગયેલ છે. જેમ પથ્થરને સોનુ બનાવનાર પારસમણી આપણે શોધવી રહી. તેમ આપણા જીવનમાં પારસમણી સમાન પુસ્તકો આપણે જ શોધવા રહ્યા.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 17-03-23 હાઉસ વાઈફ નહીં ગુરુ લક્ષ્મી કહો

 હાઉસ વાઈફ નહીં ગુરુ લક્ષ્મી કહો



આપણે ત્યાં પરણિત સ્ત્રી નોકરી કરતી હોય તે જ્યારે પોતાના પરિચય આપતી હોય છે ત્યારે પોતાની નોકરી કે સેવાના ઉલ્લેખ કરે પરંતુ જે સ્ત્રી  માત્ર ઘર સંભાળતી હોય તો તે પોતાનો પરિચય આપતા એમ કહે છે કે, "હું 'હાઉસવાઈફ' છું. " આ "હાઉસવાઈફ" જેવો શબ્દ વાપરે છે. વાસ્તવિકતા જોઈએ તો આ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. એક નોકરી ન કરતી સ્ત્રી ને હાઉસવાઈફ કહીએ  તે શું દર્શાવવા માગે છે? આનો જવાબ કોઇ સ્ત્રી આપી શકશે નહીં.

          આપણી સનાતન સંસ્કૃતિ મુજબ સ્ત્રી ક્યારેય માત્ર ઘર સંભાળવા માટે નથી. આ કારણે જ સનાતન સંસ્કૃતિએ તેને આપણે જેને પૂજીએ છીએ તેવું નામ તેની સાથે જોડી દીધું છે. અને તે નામ છે ગૃહલક્ષ્મી. લક્ષ્મીજી જેને આપણે પૂછીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ઘરનું સૂક્ષ્મ સ્વરૂપ છે ગૃહલક્ષ્મી છે. એક પશ્ચિમી રિવાજમાં સ્ત્રી મુલવણી પૈસાથી કરવામાં આવે છે. ત્યાં પતિ પત્નીના બેંક એકાઉન્ટ પણ અલગ-અલગ હોય છે. ગૃહલક્ષ્મી શા માટે કહી શકીએ ? તેનો ઊંડાણથી વિચાર કરીએ તો ગૃહલક્ષ્મી સચોટ રીતે સમજી શકાય કે જે વર્કિંગ વુમન નથી તેને હાઉસવાઈફ કહીને તેનું મહત્વ ઘટાડી નાખે છે. વર્કિંગ વુમનની સામે પૈસાની દ્રષ્ટિએ જ હાઉસવાઈફ ગણવી હોય તો  ઘરમાં તેમના પ્રદાનની મુલવણી અચરજ પમાડે તેવી છે. સવારના જે સૌથી પહેલા ઘરમાં ઉઠી અને ઘરને સ્વચ્છ કરે છે. તે ગૃહલક્ષ્મી બધાને માટે ચા નાસ્તો બનાવે છે. પાણી ભરે છે, વાસણ અને કચરા પોતા કરે છે, બધા નાસ્તો કરી લે પછી અંતે પોતે નાસ્તો ચા નાસ્તો કરવા બેસે છે. આખા ઘરનું આરોગ્ય ગૃહલક્ષ્મીના આધારે જ છે. ગૃહલક્ષ્મી જ સવારે નાસ્તામાં શું બનાવવું ,બપોરે જમવાનું શું બનાવવું કે રાત્રે શું જમવાનું બનાવવું એટલે કે પરિવારનું દિવસ ભરનું આહારનું મેનુ નક્કી કરે છે. એના આરોગ્યને જળવાય તેવી રીતે બધી જ બાબતોનું ખાસ કાળજી રાખીને તે રસોડું સંભાળે છે. બાળકોને શાળાએ લેવા જવા મુકવા જવા કે ભણાવવાનું કામ પણ ગૃહલક્ષ્મી કરે છે. આમ એક ભૂમિકા અન્નપૂર્ણા ની છે અને એક ભૂમિકા સરસ્વતી દેવીની ગૃહલક્ષ્મી પૂરી કરે છે. તમામ લોકોના સમય સાચવવા, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરવું, વડીલોને આદર આપવો, બાળકોને પ્રેમ કરવો અને પાડોશીઓ સાથે પણ સૌહાર્દપૂર્ણ વ્યવહાર આ બધી જ જવાબદારી ગૃહલક્ષ્મીની હોય છે. આખા દિવસનું કામ કરીને ગૃહલક્ષ્મી રાત્રે જ્યારે  પતિ ઘરે આવે છે ત્યારે પતિને ખુશ રાખવા અને રાજીખુશીથી પોતાની ભૂમિકા નિભાવી જાણે છે. આ ગણતરી કરીએ તો કામવાળીની, રસોઈયાણીની, શિક્ષિકા અને ઘરના સભ્યોની કેરટેકર અને બાળકોની આયા અને પતિ માટે સુખ આપનારી બને છે. આ બધા વ્યક્તિગત ખર્ચ ગણવામાં આવે તો એક વર્કિંગ વુમન નાં પગાર કરતાં તેની કિંમત ક્યાંય વધુ ગણી શકાય. બહાર કામ ન કરતી, નોકરી ન કરતી કે વર્કિંગ વુમન ન હોય તે સ્ત્રી કરતા એક ઘરની ગૃહલક્ષ્મીનુ માન ઓછું ન ગણી શકાય. છતાં વર્કિંગ વુમન કરતા તેમને પૂરતું માન મળતું નથી. સવારે કામવાળી થી લઇ પોતાની ભૂમિકા શરૂ કરતી અને અમે રાત સુધી સતત પોતાની તમામ ભૂમિકાઓ બખૂબી બજાવતી એક ગૃહિણી ની કિંમત ઓછી આપી શકાય નહીં. તે ઘરને સુખ અને શાંતિ આપનાર છે આવી સ્ત્રીને ગૃહલક્ષ્મી જ કહી શકાય.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 17-03-23 પપ્પા એટલે માત્ર એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં, પણ છાપાના બિલ અને ચાની કિંમત ચૂકવતું એટીએમ કાર્ડ.!

 પપ્પા એટલે માત્ર એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં, 

પણ છાપાના બિલ અને ચાની કિંમત ચૂકવતું એટીએમ કાર્ડ.!



 પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે, છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ પરિવારની જવાબદારી માટે ઘરની બહાર જ વધુ હોય, રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ, શાકભાજી કે નોટબુક લેવા માટે ગાડી પાછી વાળે એ પપ્પા. ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.

         પપ્પા એટલે પપ્પા જ હોય છે. મમ્મી જો બાળકને નવ મહિના સુધી પેટમાં લઈ ફરે છે તો પપ્પા આજીવન મનમાં લઈને ફરે છે… બાળકોને ફાટેલી જીન્સની ફેશન કરાવવા એ પોતે ફાટેલી બનિયન શર્ટ નીચે સંતાડે છે. બૉસની સામે બાંયો ચડાવી શકતો બાપ બાળકોની ડિમાન્ડ પુરી કરવા એ જ બાંયોથી પરસેવો લૂંછવાં જેટલી મહેનત કરે છે.! તમે જે છત નીચે આજે સૂરક્ષીત રહો છો, મજા કરો છો, સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છો એ ઈમારતનો પાયો એટલે પપ્પા…

           ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે કારણકે એ બારીમાંથી ડોકું કાઢીને પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.! પપ્પા એટલે પરિવારનો એવો સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે. તમે ફૂલ સાઈઝના ટીવીમાં કાર્યક્રમો જોઈ શકો એ માટે હપ્તામાં ખર્ચાતા એટલે પપ્પા… પોતે સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદીને ભલે ને ત્રણ સવારી ચલાવી હોય, બાળકોને તો નવી સાયકલ અપાવે એ પપ્પા.! સાયકલ શીખવવા સાયકલનું કેરિયર પકડીને દોડે અને બેલેન્સ આવડે તો જોરથી તાળીઓ પાડે એ પપ્પા.!

           દરેક તહેવાર અને પ્રસંગમાં સૌથી ઓછા ખર્ચે પોતાની ખરીદી કરે અને પરિવારને મોંઘી કે મનગમતી ખરીદી કરાવે અને ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા… જેણે સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જે સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા… ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. પપ્પા ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે!

          પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે, છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ પરિવારની જવાબદારી માટે ઘરની બહાર જ વધુ હોય, રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ, શાકભાજી કે નોટબુક લેવા માટે ગાડી પાછી વાળે એ પપ્પા. ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા.! દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા… અને પપ્પા એટલે લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે. પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં, પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક.!

           પપ્પા એટલે માત્ર નસકોરાં વગાડી ઘોરતી રહેતી વ્યક્તિ નહીં પણ અડધી રાત્રે પણ ઝોકાં ખાધા વગર ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ પપ્પા… પપ્પાની તો કોઈ ડિમાન્ડ જ નથી હોતી અને એટલે જ પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે. પણ… કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી. ત્યારે એમની સાથે ઘણી વાતો કરવાની રહી ગયેલી હોય છે. એમના એ સાયલન્ટ એટેક પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે કોને ખબર?

           પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાંને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે.! દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય… સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાય છે પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.! પપ્પા દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણ કે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી એનાં વહેણમાં શહેરના શહેર તણાઈ જતા હશે.!

            પપ્પા… જેના ખભે બેસીને મેળો પણ જોઈ શકાય અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભે રડી પણ શકાય…પપ્પા એટલે ‘હે રામ!’ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય. જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા? એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતાં રહ્યા હશે.! પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતી એવી ઈમારતનો આપ્યો છો, તમે રસ્તો નથી સાઈન બોર્ડ છો અને તમે અમાસના અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો… તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છાઓ પૂરી કરી છે, એટલે જ કહેવાય છે કે પોતાના પૈસે તો જરૂરિયાત જ પુરી થાય જલસા તો પપ્પાના પૈસે જ થાય… હાઉસિંગ બોર્ડના મકાનના હપ્તામાં તમારી જિંદગી પતી ગઈ એમાં અમે શાંતિની નિંદર માણી રહ્યા છીએ અને તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે.!

           આપણે તો હંમેશા પપ્પાના કઠોર હ્દયની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ન પહોંચે એનું જ ધ્યાન રાખવાનું છે. પપ્પાને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયામાં સમજ ન પડે અથવા ઓછું ફાવે તો હળવેકથી વ્હાલ કરીને સમજાવાય, પણ કયારે પણ એમ ન કહેવાય કે, “તમને ખબર ન પડે, ચૂપ રહો!” અને આવી વાત ખાસ કરીને મમ્મીની હાજરીમાં કે તમારી વહુ કે છોકરા છોકરીઓની હાજરીમાં તો નહીં જ કરવી. કારણ કે તમારી ગેરહાજરીમાં પપ્પા સાથે અપમાનજનક વર્તણૂક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે…

           પોતાનો પરિવાર સંપૂર્ણ ને ગરમ આહાર જમી શકે તે માટે આ વ્યક્તિ પોતે જીવનના લગભગ ત્રીસ વર્ષ ઠંડુ ટિફિનનું ભોજન આરોગે છે . ઘણા ઘરોમાં તો બાળક ઉઠે એ પહેલાં પપ્પા રોજીરોટી કમાવા નીકળી જાય છે ને છેક મોડી રાતે બાળક સુઈ જાય ત્યારે ઘરે પોહચે છે, અરે આખા દિવસની તનતોડ મહેનત બાદ જ્યારે પોતાના સૂતા દીકરા કે દીકરીના માથે હાથ ફેરવે ત્યારે એ પપ્પાનો આખા દિવસનો થાક ક્યાંય અદ્રશ્ય થઈ જાય છે ને બીજા દિવસની મહેનત માટે ઉર્જાવાન બની જાય છે. દરેક પિતા માટે એનો દીકરો “હીરો” ને દીકરી હંમેશા “પરી” જ હોય છે.!

ચૂંટલો: પોતાના પરિવારની નાનકડી દુનિયા માટે આવડી મોટી દુનિયા સામે બાથ ભીડી લે એ પપ્પા તમારા નામ પાછળ લખાતું એ નામ આજીવન તમારી માટે પીઠબળ બની રહે છે.!



Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 17-03-23 આ હંધીય નિશાળુમાં ઇન્ટરનેશનલના પાટિયા કાં? આપણાં દેશમાં નેશનલ સ્કૂલો એકેય નહીં ?!?

 આ હંધીય નિશાળુમાં ઇન્ટરનેશનલના પાટિયા કાં? 

આપણાં દેશમાં નેશનલ સ્કૂલો એકેય નહીં ?!?




શિક્ષણમાં રાજકારણ ઘૂસાડનારને કડકમાં કડક સજા થવી જોઇએ

છગન-મગન: જેશ્રીકૃષ્ણ, જે શ્રીકૃષ્ણ

ચમન: જયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ આવો આવો,મઝામાં છોને?

છગન-મગન:આપણે તો જલસા જ હોયને,મોજેમોજ,રોજેરોજ

ચમન: હાલો, હંમેશા મોજમાં રેવુ મોજમાં રેવુ મોજમાં રેવુ રે.....

મગન: એ રેવાદ્યો, રેવાદ્યો,અટાણે ભજન નથી ગાવા

ચમન: કેમ? શું વાંધો છે?

મગન: ભજનો ગાવાનો પણ ટેમ હોય,વહેલી પરોઢે પ્રભાતિયા ગવાય, રાતે લોકડાયરામાં ભજનોની જમાવટ થાય.

ચમનઃ તંઈએ,એમ રાખો, કેમ છગનભાઈ તમે શાંત છો?

છગન: ના,ના, કાંઈ નહીં આતો તમારી અને મગનની વાતો સાંભળુ છું.

ચમન: ના છતાં ય તમે કાંઈ ક ચિંતામાં હો એવુ લાગે છે.

છગન: ચિંતા એટલે આ અમારા કિશનને સ્કૂલમાં એડમિશન અપાવવુ છે.

મગન: તો અપાવો ને,એમાં શું ચિંતા કરવાની?

છગન: ચિંતાએટલે જ્યાં જૂઓ ન્યા ઇન્ટરનેશનલ સ્કૂલ છે, નેશનલ સ્કૂલ તો ક્યાંય દેખાતી નથી.!

ચમન: વળી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં મસમોટી ફી ઉઘરાવે છે એની જ ચિંતા છે ને?

છગન: તમે ય ખરુ પકડ્યુ!મસમોટી ફી ની ચિંતા છે,કેમ ફી ભરાશે, કેમ છોકરાઓ ભણશે?

ચમન: આપણે વાલીઓ હર હંમેશા મોટી ફી, ઉંચી ફી ના રોદણાં રોઈએ છીએ, પણ આપણા છોકરાઓ ભણે તો છે જ ને ?કોઈ ભણ્યા વગરનું રહ્યું??

મગન:  ઈ તો તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું છે,

છગન: એમ નઈ, આતો ઇન્ટરનેશનલ સ્કૂલોમાં એવું તે શું ભણાવી દેવાતું હશે એ જ ખબર પડતી નથી.

ચમન: ક્યારેક એક બે નવી ભાષા શીખવાડે ક્યાંય એક બે નવી રમત શીખવાડે તો ક્યાંય નવા સંગીત ના સાધનો હોય એટલે એ ઇન્ટરનેશનલ સ્કૂલ બની જાય.

છગન: ઈ સામે જ વાંધો છે, આ સરકાર જોતી નહી હોય? ગમે ઈ ગમે એના પાટીયા ચડાવી દે છે.

મગન: પાટીયા ચડાવી દે અને વળી પાછા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખપાવી દે અને ઊંચી ઊંચીફી માગે.

છગન આ સ્કૂલ સંચાલકો કોઈ રીતે અંકુશમાં આવે નથી સરકારે ફી નક્કી કરવા ફી કમિટી બનાવી તો એનો પણ વિરોધ કર્યો હતો.

ચમનઃ ફી કમિટી છે કદાચ એના હાથ પગ બાંધી દેશે એવી એને બીક હોય એટલે વિરોધ કરતા હોય પણ તમે જાણો છો, મોટાભાગની નિશાળોમાં લાયકાત ધરાવતા શિક્ષકો પણ હોતા નથી!

છગન: અને અમુક લાયકાતવાળા શિક્ષકો, અમુક જૂની નિશાળોમાં હોય છે ન્યા આપણે આપણા બાળકોને ભણાવતા ય નથી.

ચમન: સાવ સાચુ સાવ સાચુ જૂની સ્કૂલો ને હવે નવા જમાનાની અસર થઇ છે.

મગન : હા હો જેમ રેડીયો કરતા ટીવી દુરદર્શન કરતા ખાનગી ચેનલો જુના છાપા કરતા નવા છાપા ઓફલાઈન કરતા ઓનલાઇન નો જમાનો છે એમ જૂની નિશાળો કરતાં નવી નિશાળનો જમાનો છે.

છગન:  વાહ મગન વાહ બુદ્ધિશાળી વાત કરી.

મગન: હા, એમ ક્યારેક-ક્યારેક બુદ્ધિશાળી વાત કરી લઈએ.

ચમન:  નવી નિશાળ કરતા ઇન્ટરનેશનલ સ્કૂલ ની વાત કરી હોત તો વધારે મજા આવત.

મગન: એવું લાંબુ લાંબુ બોલવું આપણને ફાવે નહીં. એટલે નવી નિશાળ કહીએ તો તમારા સમજી જવાનું.

છગન: એમ, તો તો સારુ એમ રાખીએ,

મગન: હા એમ સમજતા થાઉં તો સારું.

ચમન: હવે વાતનું વતેસર નથી કરવું, ઇન્ટરનેશનલ સ્કૂલોની વાતમાં મોજ પડે છે એટલે ઈ વાત કરો.

છગન: શું ધૂળ મોજ પડે છે? ઇન્ટરનેશનલના પાટીયા ચડાવી દે એટલે ઇન્ટરનેશનલ સ્કૂલ થોડી બની જતી હશે?!

ચમન: હા બની જાય છે ને જુઓ ને જ્યાં જુઓ ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલના પાટીયા જોવા મળે છે ને?

છગન: પણ આને કોઈ પૂછવા વાળું નથી?  કોઈ કંઈ કહેવાવાળું નથી ?ઇન્ટરનેશનલના સ્ટાન્ડર્ડ કેવા  કેટલા ઊંચા હોય છે, એ જાણ્યા વિના ઠોકી દેવું એ થોડું ચાલે? 

મગન: હાલે જ છે ને?

છગન: ન હાલવુ જોઈએ,  સરકારે દંડા પાડવા જોઈએ.

ચમન: સરકાર પાસે કેટલા બધા કામ હોય? એ કાંઈ  તમારા આવા નાનકડા કામ પ્રત્યે ધ્યાન આપી શકે?

છગન: આ નાનું કામ આ નાનું કામ? સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉચી થી ભરવાની યુનિફોર્મ સ્કૂલ માંથી લેવાનો બુટ મોજા પણ સ્કૂલમાંથી લેવાના એટલું ઓછું હોય એમ શિક્ષકોનું પણ શોષણ થાય છે ને? અને જોયુ? શિક્ષણમાં રાજકારણ ઘૂસાડવા પ્રયાસ થયો એ?

મગન: અરરર, શિક્ષણમાં રાજકારણ? શરમાતા નથી જરાય ?

ચમન: ખોટુ જ છે ખોટુ જ છે, શિક્ષણમાં રાજકારણ ઘૂસાડવુ ન જોઈએ,  ઘૂસાડે એને કડક સજા થવી જોઇએ, બીજીવાર ભૂલી જાય એવી કડક!

છગન: એ ય પાછી ભાવનગરની ગાંધી કોલેજમાં. આ લોકો તો ગાંધીજીનું નામ પણ વગોવે એવા નઠારા છે!!!

ચમન હા હો આવી ખોટી પ્રવૃતિ કરે એને પક્ષમાંથી બરતરફ કરીને જેલ ભેગા કરવા જોઈએ.

છગન: હા, બાપા, શિક્ષણ ને તો મુક્ત રાખો , શિક્ષણમાં સાડી બાર અહીં નથી કાંઈક તો શરમ કરો કાંઇક તો શરમ કરો.

ચમન: વાહ છગનભાઈ તમારે તો શિક્ષણ ઉપર પીએચડી કરવાની જરૂર છે.

છગન: નથી કરવું પીએચડી કે ફીએચડી. આ ઇન્ટરનેશનલ સ્કૂલોવાળા ને નાથો,અને શિક્ષણમાં રાજકારણ ઘૂસાડવાનો પ્રયાસ

પણ કરેને, એને જેલ ભેગો કરો,જેલ ભેગો,આપણને રસ છે ઈ હંધાઈ, ઇન્ટરનેશનલ ના પાટીયા ઉતારીને વ્યાજબી ફી લેતા થાય અને શિક્ષણમાં રાજકારણ ન ઘૂસાડાય એટલે આપણને ભયો ભયો.

ચમન: ભયો ભયો ભયોભયો, સરકારમાં તમારી આ રજૂઆત પહોંચે એવું કંઈક કરીશું હાલો ત્યારે

જય મહાદેવ.  છગન: બસ,? હાલો ત્યારે જય મહાદેવ,  મગન: જય મહાદેવ, મહાદેવ હર, જય મહાદેવ.



Parichay Talks :- (Freend Book) Dt :- 17-03-23 તમે આમ ન હસો - કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા

 તમે આમ ન હસો - કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા


તમે આમ ન હસો

કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા

તમે આમ ન હસો નહીં તો દિલ બહાર નિકળી જશે,

જો આવું દરરોજ ચાલતું રહ્યું તો,

અજાણ્યે થયેલો નયનપેચ મને મારી નાંખશે....

દુનિયાની અફવા નથી અસર કરતી મને,

આપનો મધૂર અવાજ આમ જ કાને ટકરાતો રહ્યો,

તો મધુપ્રમેહ કરી નાંખશે....

ચહેરો આપનો કેન્દ્રસ્થાન બની ગયો છે,

આ દેહમાં જો હામ હશે તો દરેક ઘાવ જીરવી લેવાશે,

દિલમાં જડીત જો છબી ભૂસાસે તો શ્વાસ રુંધાશે...

શબ્દોની માયાજાળ ને વાદવિવાદમા તમે મારી સામે ટકી નહીં શકો,પરંતુ

તમારા મૌનવ્રતનો પ્રભાવ જો વધી ગયો તો મને બેબાકળી કરી નાંખશે....

મિલન કે વિયોગમાં કોને કેટલું આપવું એ ઈજારો વિધાતાને હસ્તક છે,

આપનો સ્વભાવ આ દિલને ભાવી ગયો છે,

અજાણે પડી ગયેલી આદત જો ઝુનુનમાં ફેરવાઈ ગયી તો માનસપટમા ત્સુનામી લાવી દેશે....

જે મનમાં હોય તે કહી દો

કંઈ જ ફેર નહીં પડે પણ

જરા સંભાળીને આપની વાતો જો નશો બની ગયી,

તો આપનો સાથ પામવાનું વળગણ મારો જીવ લઈ રહેશે....



Parichay Talks :- (Freend Book) Dt :- 17-03-23 શબ્દની હું નાવ લખીને મોકલું, કવિ : - વહિદ શાહ - બોટાદ

 શબ્દની હું નાવ લખીને મોકલું,  કવિ : - વહિદ શાહ - બોટાદ


શબ્દની હું નાવ લખીને મોકલું,

કવિ : - વહિદ શાહ - બોટાદ

શબ્દની હું નાવ લખીને મોકલું,

પ્રેમનો સુઝાવ લખી ને મોકલું,

હર રમત માં હાર મારી હોય છે,

જિંદગી ના દાવ લખી ને મોકલું,

કે અહી ફરિયાદ કોઈ લેતું,

એટલે તો રાવ લખી ને મોકલું,

લાગણી સમજી શકે મારી હવે,

હું હ્રદયના ધાવ લખીને મોકલું,

મૂલ્ય આનું તું નહી સમજી શકે,

આ ગઝલમાં ભાવ લખીને મોકલું.



Parichay Talks :- (Freend Book) Dt :- 17-03-23 અલગારી એક હૂંફ છે મિત્રતા, કવયિત્રી - નિમુ ચૌહાણ " સાંજ "

 અલગારી એક  હૂંફ છે મિત્રતા, કવયિત્રી - નિમુ ચૌહાણ " સાંજ "


અલગારી એક  હૂંફ છે મિત્રતા,

ચા મા હોય જેમ સૂંઠ છે મિત્રતા.

અડવિતરા મનમોજીલાની ટોળકી,

સૌના એ રહસ્યોનુ દ્રુઢ છે મિત્રતા.

હોય પાસ તો ઝગડાય થાય કદી,

દુર થતા  યાદોની ધુન છે મિત્રતા.

કોઈ હઠીલા કોઈ પ્રેમાળ હૃદયના,

રુઢેના કોઈ વાતે સબૂત છે મિત્રતા.

કોરા પાના જેવા જીવનમા આવી,

અધુરા વાક્યે વિરામ પુર્ણ છે મિત્રતા.

સુમસાન લાગે રાહ દુનિયાની પછી,

સંગાથી સાંજની આતુર છે મિત્રતા.



Parichay Talks :- (Freend Book) Dt :- 17-03-23 ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી. કવયિત્રી : - હેતલ.જોષી. - રાજકોટ.

 ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી. કવયિત્રી : - હેતલ.જોષી. - રાજકોટ.


ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી

કવયિત્રી : - હેતલ.જોષી..રાજકોટ

ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી

ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી 

શોધો કોઈ મોબાઈલ માં આજે એને

લાગે છે ડિજિટલ યુગ માં ક્યાંક ખોવાઈ ગયો છે આજે આ માનવી 

મોબાઈલ ની એ દુનિયામાં બીઝી થઈ ગયો છે આજે આ માનવી 

ખોવાઈ ગયો છે એ મેસેજો ની દુનિયા માં  ક્યાંક આજે આ માનવી 

વાસ્તવિકતા ઓથી દૂર થઈ ગયો છે એ આજે આ માનવી 

પાસે રહેલા ઓથી પણ દૂર થઈ ગયો છે આજે આ માનવી 

એક ઘરમાં રહેલા સાથે પણ મેસેજ થી વાતો કરી રહીયો છે આજે આ માનવી 

તહેવારો પણ મોબાઈલ માંજ ઉજવી રહીયો છે આજે આ માનવી 

દરેક તહેવારો પણ ડિજિટલ થઈ ગયા છે આજે

ભાવના અને લાગણીઓ પણ મેસેજ થી વ્યક્ત થઈ રહી છે આજે

ક્યાં યુગ માં ખોવાઈ ગયો છે આજે આ માનવી

લાગે છે માનવી પણ ડિજિટલ થઈ ગયો છે આજે

કેવો સમય આવી ગયો છે આજે

દરેક માટે મોબાઈલ જ પોતાની દુનિયા બની ગઈ છે આજે

ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી

શોધો કોઈ એને મોબાઈલ માં ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી 

ક્યાં ખોવાઈ ગયો છે આજે આ માનવી.



Parichay Talks :- (Freend Book) Dt :- 17-03-23 ઉર્મીઓની શ્રુખલા... કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા

 ઉર્મીઓની શ્રુખલા... કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા


ઉર્મીઓની શ્રુખલા.

કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા

તન મન લાગણીએ રંગાઇ જાય છે,

ત્યારે કાવ્ય લખાય છે,

કહેવાય છે કે આંસુઓને

પણ શાબ્દિકભાષા હોય છે,

હૈયે શુળ ભોકાય છે,

શુ દર્દની તે કોઈ પરિભાષા હોઈ શકે,

શું દર્દીલી પણ શબ્દ રમત હોઈ શકે!

કોઈ શેર શાયરી નામ આપે તો કોઈ ઉર્મીઓ કહે,

દિલના ટુકડા થાય ને આંખોથી આંસુઓનો દરિયો રેલાઈ જાય,

લાગણીના રંગે રંગાઈ જાતુ હૈયું વલોપાત કરે ત્યારે તો કાવ્ય લખાય છે.

હૈયાની વેદના કોણ જાણે...

સપનાંઓ મૃગજળ બની રહી જાય છે,

કોઈ પોતાનું તમને છળી જાય છે,

તે દર્દની હારમાળાને કોઈ કાવ્ય તો કોઈ શેર કહી જાય છે,

પ્રેમમાં ખતા ખાધેલો માણસ કવિ કહેવાય તો કોઈવાર દેવદાસ બની જાય છે,

દિલ તુટતા ક્યાં અવાજ આવે છે,

લાગણીઓને ક્યાં કોઈ લાજ હોય છે,

કરે કોઈ પામે કોઈ આ દસ્તુર એ,

આલમ દિલની આહટ જ્યારે હદ વટાવે છે ત્યારે કાવ્ય શેર રચાય છે...



Parichay Talks :- (Parichay Channel) Dt :- 16-03-23 Happy Family Day Special Video | Families are falling apart | Parichay Talks


 

Parichay Talks :- (Parichay Channel) Dt :- 16-03-23 Mobile Tower Types | What are 4G, 5G | Mobile Wireless Technology Information | Parichay Talks


 

Parichay Talks (Education News) Dt :- 16-03-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો રંગદર્શી ૧૨મો એન્યુઅલ ડે યોજાશે.

 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો 

રંગદર્શી ૧૨મો એન્યુઅલ ડે યોજાશે.


        ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો રંગદર્શી ૧૨મો એન્યુઅલ ડે યોજાશે. રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ યુનીવર્સીટી ગોલ્ડ મેડાલીસ્ટ અને યુનીવર્સીટીમાં ટોપ-ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાશે. ૨૪ કૃતિ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. એન્યુઅલ ડે ના શીર્ષક “બીડેઝલ” ની થીમ સાથે મહેમાનોને “સ્વાગત નૃત્ય” થી આવકાર અપાશે.

        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૨મો વાર્ષિકોત્સવ બીરેઝલના શીર્ષક તળે તા. ૧૨ જાન્યુઆરી,૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે રંગોલી રિસોર્ટ પાર્ક, વરતેજ ખાતે યોજવામાં આવશે.૧૨, જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજી નો જન્મ દિવસ છે. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીના રાષ્ટ્રીય ચારિત્રને ઓળખી શકે તે હેતુથી રાષ્ટ્રીય યુવા દિવસે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. 

        આ એન્યુઅલ ડેનું નામ બીડેઝલ રાખવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ થાય છે, ઉત્કૃષ્ટ ક્ષમતા કે તેજસ્વિતા દ્વારા કોઈકને પ્રભાવિત કરવા, એ ક્ષમતામાં વાંક ચાતુર્ય, સ્વભાવ, વાણી અને વર્તન બધું જ આવી ગયું. પોતાની તેજસ્વિતા દ્વારા બધી જ જગ્યાએ આનંદ તરંગો ફેલાવવી. આપણી જીંદગી કલરફૂલ બની રહે અને કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની જીંદગી પણ અદ્ભુત બની રહે તે હેતુથી આ એન્યુઅલ ડેનું નામ રાખવામાં આવ્યું છે.

        નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ના ૧૨માં એન્યુઅલ ડે માં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ વર્ષ દરમિયાન સખત પરિશ્રમ વડે અભ્યાસ દરમ્યાન યુનિવર્સીતીમાં રેન્ક મેળવનાર અને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર, રમત ગમત ક્ષેત્રે આંતર કોલેજમાં વિજેતા બનનાર અને આંતર યુનિવર્સીટી માં પસંદગી પામનાર ખેલાડી વિધાર્થીનીઓ ની સાથે એન.સી.સી. અને એન.એસ.એસ. માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તમામ વિધાર્થીનીઓને સન્માન સમારોહ પણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે યોજવામાં આવશે.   ૧૨માં એન્યુઅલ ડેમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનું બીડેઝલની થીમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ એન્યુઅલ-ડેમાં ભગવાન વિષ્ણુજીના દસ અવતાર, ભારતના મહાન સપુત જેણે ભારતની સંસ્કૃતિ ની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું તે શિવાજી મહારાજની શિવાજી વંદના, ભારતના યશસ્વી વડા પ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર આધારિત મોદી થીમ, સૌરાષ્ટ્ર ના લોક સાહિત્યમાં સ્ત્રી શક્તિના દર્શન કરાવતી અને સૌરાષ્ટ્રની વીરાંગના ચારણ કન્યા થીમ, કોરોના મહામારીથી જે વિશ્વમાં હાહાકાર મચ્યો હતો તે કોરોના થીમ, દેશભક્તિ થીમ, ભારતના વિવિધ પ્રાંતના લોકનૃત્યો જેવા કે ગુજરાતના ગરબા, રાજસ્થાની ઘૂમર નૃત્ય, મહારાષ્ટ્ર નું લાવણી નૃત્ય, પંજાબી નૃત્ય વગેરેની સાથે વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, ભારતીય સિનેમાના ખ્યાતનામ હીરો-હિરોઈન ઉપર આધારિત વિવિધ થીમો વગેરે સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવશે.



Parichay Talks (Education News) Dt :- 16-03-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરનું ગૌરવ.

 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરનું ગૌરવ.


        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર બી.કોમ. સેમેસ્ટર ૫ની પરીક્ષા યુનીવર્સીટી દ્વારા લેવામાં આવી હતી.  
        તાજેતરમાં યુનીવર્સીટી દ્વારા બી.કોમ. સેમેસ્ટર ૫નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર બી.કોમ. સેમેસ્ટર ૫માં અભ્યાસ કરતી વિધાર્થીની કુ.લખાણી પ્રિયલબેન ભરતભાઈ યુનીવર્સીટી ફર્સ્ટ, કુ. કોતર પુજાબેન ભુપતભાઈ યુનીવર્સીટી સેકન્ડ, કુ. ગોહેલ વિધિબેન દિવ્યકાંતભાઈ યુનીવર્સીટી થર્ડ, કુ. પલ નંદીની દયારામભાઈ યુનીવર્સીટી ફોર તથા કુ.મેર નિશાબેન ભુપતભાઈ યુનીવર્સીટી ટેન રેન્ક મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.
         બી.કોમ. સેમેસ્ટર ૫માં રેન્ક મેળવનાર તમામ વિધાર્થીનીઓને કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ તથા સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


Parichay Talks (Education News) Dt :- 16-03-23 જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ.

 જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ.


        જમ્મુ-કાશ્મીરમાં એક દર્દનાક ઘટના બની છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના ત્રણ જવાનોનું વાહન લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. ત્રણેય જવાન ખાડામાં પડી ગયા અને શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણેય જવાનો ડોગરા રેજિમેન્ટની 14મી બટાલિયનના હતા. તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.

       ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, આગળના વિસ્તારમાં નિયમિત ઓપરેશનલ કાર્ય દરમિયાન 01 JCO અને 02 OR ની એક પાર્ટી ઊંડી ખીણમાં લપસી ગઈ હતી. ટ્રેક પર પડેલા બરફ પર લપસીને વાહન ખાડામાં ખાબક્યું હતું. ત્રણેય બહાદુરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.



Parichay Talks (Education News) Dt :- 16-03-23 ભાવનગરમાં શાળાઓના પ્રશ્નો માટે રાજ્યનાં સંચાલકોની બેઠક યોજાય.

 ભાવનગરમાં શાળાઓના પ્રશ્નો માટે રાજ્યનાં સંચાલકોની બેઠક યોજાય.


         માધ્યમિક શાળાના ઘણાં લાંબા સમયથી લંબિત પ્રશ્નો માટે સંચાલકોની એક બેઠક અમદાવાદની એપોલો એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાય, સંચાલકોની બેઠકના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પ્રિવદન કોરાટના નેતૃત્વમાં સંપન્ન થઈ.

        બેઠકને સંબોધિત કરતાં સૌ સંચાલકોએ માંગ કરીકે શાળાઓમાં જેને માત્ર બે વર્ગ છે તેને ચાર શિક્ષકોનું મહેકમ મંજુર કરવામાં આવે. ઘણાં વર્ષોથી ગ્રંથપાલ અને પ્રયોગશાળાના શિક્ષકો વગેરે જગ્યાઓ ભરવામાં આવતી નથી.તો તે જગ્યાઓની તાત્કાલિક ભરતી થાય. આચાર્યની જગ્યા સંચાલક મંડળને ભરવા માટે છૂટ આપવામાં આવે. પરિણામ આધારિત ગ્રાન્ટ અને સરાસરી સંખ્યાના વિવિધ પ્રકારની અડચણોને દુર કરી શાળા સરસ રીતે ચાલે તે માટે બધી જ સમસ્યાઓ  હકારાત્મક ઉકેલાય.સૌ તે  માટે પ્રયત્નશીલ થાય તેવી પણ માંગ કરવામાં આવી.

        આ બેઠકમાં સંચાલક સીટના બોર્ડ સભ્ય પ્રિયવદન કોરાટ ઉપરાંત સુરતના જગદીશ ચાવડા,મનુભાઈ રાવલ, આર.ડી.પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત હતાં. સંચાલકોએ પોતાની માંગ માટે એક સંકલન સમિતિની રચના કરીને કાયમી પોતાના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સરકારમાં સમયાંતરે રજૂઆત કરવા પણ ઠરાવવામાં આવ્યું. સરકાર દ્વારા વિવિધ પ્રશ્નોને એક યા બીજી રીતે ઉકેલવાને બદલે ગુચવણીના થયેલાં પ્રયાસોને અયોગ્ય ગણાવ્યા.સમગ્ર રાજ્ય માંથી સંચાલક મંડળના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા.



Parichay Talks (Education News) Dt :- 16-03-23 ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળામાં નેશનલ ગેમ્સ એવરનેશ અંતર્ગત રમતોત્સવ યોજાય ગયો.

 ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળામાં 

નેશનલ ગેમ્સ એવરનેશ અંતર્ગત રમતોત્સવ યોજાય ગયો.


        ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળામાં નેશનલ ગેમ્સ એવરનેશ અંતર્ગત રમતોત્સવ યોજાય ગયો. જેમાં ધોરણ-1થી 5 તથા ધોરણ-6 થી 8 માં અલગ અલગ રમતો રમાડવામાં આવી. જેમાં ધોરણ -1 થી 5 માં ત્રિપગી દોડ,કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી રમતો રમાડવામાં આવી, જ્યારે ધોરણ -6 થી 8 માં યોગાસન, રસ્સાખેંચ,ચેસ,ત્રિપગી દોડ, કોથળા દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 50 મીટર દોડ, સંગીત ખુરશી જેવી રમતો રમાડવામાં આવી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અજીતસિંહ સોલંકી (દબાણ હટાવ સેલના વડા) તથા મોનાબેન પારેખ (કોર્પોરેટર વડવા -અ) , SMCના સભ્યો શબનમબેન, ઇમરાનભાઈ તથા વાલીગણ પધાર્યા હતા.શાળાના આચાર્યની આગેવાની હેઠળ પરીવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી ,જેથી કાર્યક્રમ ઉત્સાહભેર સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમના અંતે દરેક રમતમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઈનામો મહેમાનના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્ય મહેમાન અજીતસિંહ સોલંકીએ શાળાના તમામ બાળકોને વેફર્સ તથા બિસ્કીટનો નાસ્તો આપીને એક ઉમદા કાર્ય કર્યું હતું.



Parichay Talks (Education News) Dt :- 16-03-23 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસનું થયુ આયોજન.

 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં 

શૈક્ષણિક પ્રવાસનું થયુ આયોજન.





         ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. આ પ્રવાસમાં ધોરણ છ થી આઠ ના બાળકો અને શિક્ષકો જોડાયા હતા.
         આ એક દિવસીય પ્રવાસમાં  બાળકોએ  ફનવર્લ્ડ, રિલાયન્સ મોલ, બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, પ્રદ્યુમન પાર્ક,રામ વન અને સ્વામિનારાયણ મંદિર-સરધાર જેવા  રાજકોટના જોવાલાયક વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોની મુલાકાતનો આનંદ માણ્યો હતો. પ્રવાસમા રાહતદરે ત્રણ બસ આપવા બદલ શાળા પરિવારે સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર પ્રવાસને સફળ બનાવવા બદલ સૌ શિક્ષકોને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.


Parichay Talks (Education News) Dt :- 16-03-23 ગઢડાની સાળંગપરડા પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કર્યું.

 ગઢડાની સાળંગપરડા પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં 

ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કર્યું.


           ગઢડાની સાળંગપરડા પ્રાથમિક શાળા અને શાળા પરિવારે ગુણોત્સવ 2.0 વર્ષ 2022 - 2023માં ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કર્યું. રેટિંગ સાથે શાળાએ ફરી એકવાર શાળાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સાથો સાથ S.M.C સાળંગપરડા અને ગ્રામજનો અને શાળા પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
           શાળાનો ગોલ કોઈ પણ કચાસને દૂર કરી ઉત્તમ કક્ષાનું પરિણામ હાંસલ કરવું  એ આવનારા સમયમાં અમારાં સૌવનો ગોલ રહેશે. ફરી એકવાર શાળા પરિવારના શિક્ષકોનો દિલથી આભાર...
અને ભાવિમાં વધુ સારું પરિણામ સાથે મળીને હાંસલ કરીએ એવી સૌને શુભેચ્છાઓ.


Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...