Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 09-04-23 બાળક્ને વિચારશીલ બનાવો, નહિ કે ગોખણિયું.... લેખક :- વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી

 બાળક્ને વિચારશીલ બનાવો, નહિ કે ગોખણિયું.... 

લેખક :- વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી


 માણસનો જન્મ એક બાળક સ્વરુપે થાય છે, પરંતુ તેને સાચા અર્થમાં માણસ બનાવનાર જો કોઈ માધ્યમ હોય તો તે શિક્ષણ છે. ઈશ્વર એ દરેક બાળકમાં અનેક ગુણો અને ઘણી બધી વિશેષતાઓ ભેટ સ્વરુપે પ્રદાન કરતો હોય છે. આ ભીતરની તમામ શક્તિઓની ઓળખ કરાવી, તેમને ખીલવીને આવનાર સમયની સાથે તાલ પૂરાવીને અડીખમ ઉભા રહેવાનું કૌશલ્ય શિક્ષણ થકી પ્રાપ્ત થતું હોય છે. એક સારો શિક્ષક આ માધ્યમ થકી, બાળકોના ભીતરના કૌશલ્યને ખીલવીને માણસનું નિર્માણ કરે છે, ત્યારે આ કાર્ય સાચા અર્થમાં સાર્થક થયું ગણાય.

         શિક્ષણનું કામ જ બાળક્નો સર્વાંગીય વિકાસ કરવાનું છે. શાળા અને શિક્ષકોએ આ માધ્યમ થકી વર્ગમાં વિષયની સાથે સાથે અનેક યુક્તિ પ્રયુક્તિઓ થકી બાળકની ભીતરની શક્તિનો વિકાસ થાય એવા વાતાવરણનું નિર્માણ કરવાનું કામ કરવાનું હોય છે. હાલ સમયની જરુરીયાત કહો, કે કરુણતા! માર્ક્સની પાછળ રેસની જેમ દોડતું બાળક અને તેના નિમિત બનતા વાલીઓ એ ભૂલી જાય છે કે જીવનની રેસમાં એ પાછળ રહી જાય છે. ન કોઈ તર્ક કરવાનો કે ન કલ્પના કરવાની, ન કોઈ મુદ્દા પર જાતે જ વિચાર કરીને જવાબ આપવાનો, બસ કોઈએ લખેલ વિચારને અક્ષરશ: મગજમાં ટાઇપ કરીને યંત્રની જેમ રજૂ કરી દેવાનો ! બાળકની મનોસ્થિતિ કેવી હશે એ કલ્પના કરવી અશક્ય છે. આ જ કારણ હશે કે જ્યારે કોઇ વિષય પર પોતાના વિચારો રજૂ કરવાના હોય કે અભિવ્યક્ત કરવાના હોય ત્યારે તે રજૂ કરી શકતું નથી. વ્યવહારિક જીવનમાં અનેક સત્યો, અનેક ઉભી થતી પરિસ્થિતિ સામે નિર્ણયો લેવામાં તે ઉણું ઉતરે છે. ગોખણિયા જ્ઞાનના રથ પર સવાર બાળક લાંબા સમય સુધી ટકી શકતું નથી. સમય આવ્યે અટકીને ઉભો રહી જ જાયછે.

         શાળા અને શિક્ષકની સાથે વાલીએ પણ આ બાબતમાં ચોક્ક્સ વિચારતું થવું પડશે કે માર્ક્સના મોહની સાથે, બાળકની વૈચારિક દષ્ટિ ખીલે ! હાલ વર્ગમાં બાળક પોતે રજૂ થાય એવા માધ્યમોને બદલે મોટે ભાગે કોષ પૂર્ણ થાય, ગોખણપટ્ટીના અશવારે ચડીને યંત્રની જેમ અક્ષરશ : રજૂ  કરી દેવાનું, મગજ ફાટી જાય, મગજ ચકરાવે ચડે, છતાં પણ આજ કરવાનું ! પરિણામ તો શૂન્ય જ ! માર્કસની રેસ પણ કેવી ! જોઈને દયા આવવાની સાથે, ક્યારેક તો ગુસ્સો પણ આવી જાય. એકવાર મારી બેબીની મારે શાળાએ લેવા જવાનું થયુ. તેને છૂટવાની વાર હતી. એવામાં મારે બાજુમાં એક વાલી ઉભા હતાં. તેની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી તેમની દીકરી સામેથી આવી. હજુ પેલી દફ્તરનો ભાર ઉતારે પહેલાં તો માર્કસની વાત ચાલુ થઇ ગઇ. પેલી જેટલા માર્કસ આવશે કે નહિ !  નહિતર આ વખતે તારો વારો છે. હજુ શાળાએથી છૂટી છે, પેલીનો દફ્તરનો ભાર ઉતારવાને બદલે માર્ક્સનો આટલો મોહ કેટલે અંશે યોગ્ય તે વિચારતો રહ્યો.

        સાચું શિક્ષણ એ બાળક્નો  ભાર હળવો કરે, પોતાને વિચારવાની તક મળે તેવું માધ્યમ આપેપોતાને અભિવ્યક્ત થવાનો રાહ ચીંધે, પોતાની કલ્પના થકી વિજ્ઞાનના સત્ય સુધી પહોંચવાનો માર્ગ બતાવે, તર્કને ખીલવે, ભીતરના વિશેષતાઓનો પરીચય કરાવે, ધીરજ, કુશળતા, સ્થિરતા, ચીવટતા, આત્મવિશ્વાસ, જેવા ગુણોનો વિકાસ કરે,જે તેમને જીવનના યુદ્ધમાં શસ્ત્રરુપ સાબિત થવાના છે. માર્ક્સ જરુરી છે, પણ સાથે આ ગુણોનો વિકાસ પણ એટલો જ જરુરી છે. વ્યવહારિક જીવનમાં તો તેને આ જ કૌશલ્યો જ કામે લાગવાના છે. જેના થકી જ તે આવનાર પરિસ્થિતિઓ સામે અડીખમ ઉભો રહેવાનો.

        એવા અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ જેઓ શાળાની પરીક્ષામાં ઓછા માર્ક્સ સાથે ઉર્તીણ  થયાં હોય પણ હિંમત હાર્યા વિના પોતાના ગુણો થકી, પોતાના ભીતરના  કૌશલ્ય થકી, આ દુનિયામાં પોતાનું નામ અંકિત કરી આપ્યું હોય. એવા અનેક ઉદાહરણો આપી શકીએ જેમના માર્કસની વાત તો દૂર રહી,જેમનો અભ્યાસ જ ઓછો, છતાં આજે તેમના શક્તિને, તેમની સફળતાને આખી દુનિયા મસ્તક નમાવે છે કારણ કે તેમને પોતાની ભીતરની શક્તિને ઓળખીને તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે કૌશલ્ય કેળવી લીધું હતું. જીવનમાં ભણવાની સાથે ગણવાની વાત પણ એટલી જ છે. માર્ક્સની રેસમાં ઘોડાની જેમ દોડવતાં બાળકની પરિસ્થિતિને ન સમજનાર અને એના ભયંકર પરિણામના અનેક ઉદાહરણો આપની સામે છે જ! ત્યારે થોડીક સમજની જરુર છે. જો આ સાથે ભીતરના ગુણોના વિકાસને પણ ધ્યાન આપીએ તો આ પરિસ્થિતિ ક્યારેય નિર્માણ નહિ થાય. સોનામાં સુગંધ મળે એવી વાત બને. માર્ક્સની રેસમાં દોડતું આજનું બાળક પ્રથમ નંબર લાવવાના મોહમાં ભીતરમાં રહેલ નાવીન્યનને, પોતાની શક્તિને, પોતાનામાં રહેલ સારાપણાંને ઓળખવાની શક્તિ જ જો ગુમાવી દેશે તો આવનાર સમય કેવો હશે તે કહેવું અશક્ય છે. વ્યવહારિક જીવનની સફળ અભિવ્યક્તિતો ભીતરની શક્તિ થકી જ કરી શકવાનો. આપણે જોઇ એ છીએ કે ઘણાં કિસ્સામાં વધારે ટકાથી પાસ થયેલ બાળક વ્યવહારિક અભિવ્યક્તિ કરવામાં મુશ્કેલી અનુભવે છે.

         શિક્ષણનું કામ તો બાળકની શક્તિનો વિકાસ કરવાનું છે. બીજાના વિચારોને ગોખીને તે જ સ્વરુપે રજૂ કરી દેવાથી બાળક્ની વૈચારિક પ્રક્રિયા તો અટકી જ જવાની એ નક્કી છે. શાળામાં પણ બાળક કોઇ વિષય પર પોતાના મૌલિક વિચારો રજૂ કરેતો માર્ક્સ કાપી લેવામાં આવતા હોય છે એ બાબત પણ  વિચારવા જેવી છે. જેના કારણે પણ બાળક પોતાના વિચારો રજૂ કરવાને બદલે જે છે તે રજૂ કરી દેતો હોય છે. છેલ્લે એટલું કહીશ કે વાલીઓને પણ આ માનસિકતા બદલવાની સાથે, શાળા અને શિક્ષકો એ પણ બાળકને વ્યક્ત અને તકો ચોક્કસ પૂરી પાડવી જોઇએ..જેથી બાળક સારાં ગુણની સાથે પોતાનો ભીતરથી પણ વિકાસ કરતો  થાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...