વ્યસન બન્યું મોબાઈલ,
લેખિકા : - જુલી સોલંકી ' સચેત ', ભુજ-કચ્છ
વ્યસન બન્યું મોબાઈલ, લેખિકા : - જુલી સોલંકી ' સચેત ', ભુજ-કચ્છ
" જીવનના મોળે કંઈક અલગ પડતું જોવા મળ્યું;
ખબર નહિ એ મારગનો રસ્તો જ મોબાઈલ રહ્યું. "
તળાવમાં ડૂબકી મારીને તાર ખાતાં તો કેટલાંયને જોયાં, પરંતુ આજે દરેક ઘરના વ્યક્તિઓ અને બાળક દરેકને પોતપોતાના સ્માર્ટ ફોનમાં ડૂબેલા જોયા.
વ્યક્તિઓના મૂખે સાંભળવા મળ્યું કે, " ગામનું જીવન એ શાંતિનું જીવન. " સવારે ઉઠીને દરેક લોકો પોતપોતાના કામમાં મંડી પડે. બાળકો તો શેરી રમતો રમવામાં એટલા મશગુલ થતાં કે તેમના માબાપુને બોલાવવા જવું પડતું. રાતના બધા એટલા થાકેલા કે કોઈના મુખેથી ' ચું કે ચાં ' ન નીકળે. માત્ર ગામના વડીલો પીપળાના ઝાડની નીચે બેસીને વાતોની રમઝટ જમાવતા. ગામમાં ટેલિફોન માત્ર પોસ્ટ ઑફિસ કે સરકારી કાર્યાલયોમાં જ જોવા મળતું. ફોન પણ નાના ડબલા જેવા, માત્ર વાતચીત જ થઈ શકે. કોઈના ઘેર શુભ પ્રસંગ હોય કે હોય દુઃખના સમાચારો. પોસ્ટ દ્વારા સંદેશ મોકલી અપાતો. પણ સંદેશ એટલો મોડો પહોંચતો કે જે તે ઘરના પ્રસંગોની તારીખો જ વટાઈ જતી. સુવિધાઓ નિમ્ન હોવાથી એમની મહત્વકાંક્ષાઓ પણ ઓછી હતી. ત્યારે વ્યક્તિઓમાં સંતોષી જીવન હતું અને હવે ?
હવે તો એક કલાક કોઈએ મોબાઈલ હાથમાં ન લીધું હોય તો જાણે જીવ જ અધ્ધર થઈ જાય. જીવન જીવવાનું આધાર એટલે મોબાઈલ. આ એક એવું વ્યસન છે જે દરેક વ્યક્તિને લાગુ પડે છે. સવારે વહેલા ઉઠીને પથારીમાં જ હજી તો આંખ પણ પૂરી ન ઉઘડી હોય ત્યાં મોબાઈલ લઈને બેસી જઈએ. મોબાઈલમાં એટલા ડૂબેલા કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એની ખબર જ નહોતી. મોબાઈલનું વ્યસન એટલું તે ખરાબ બની ગયું કે ઘરમાં રહેલાં ચાર સદસ્યો પણ બાજુમાં બેસીને ' સુપ્રભાત ' કહેવા લાગ્યા. એકબીજાની લાગણી નેવે મુકાઈ ગઈ. માત્ર ઔપચારિકતા જ રહી. આજે મોટાભાગના લોકો મોબાઈલનો ઉપયોગ મનોરંજન માટે કરી રહ્યા છે. સમય વેડફી આંખોને આંજી રહ્યા છે.
સમયના કાંટે ભાગતો માનવી આજે મોબાઈલના રંગમાં સમયને જ વેડફી રહ્યો છે. ઉ. દા., " અમારી કોલેજમાં પરીક્ષાઓની તારીખ નક્કી થઈ. પણ હજુ પૂરાં સાત દિવસ બાકી છે. હું અત્યારે યુટ્યુબ પર પિકચર જોઈ રહી છું. "
આજનું જીવન સુડી વચ્ચે સોપારી જેવું છે. જેમ ડુંગરા દૂરથી રળિયામણા લાગે, પણ પાસે પહોંચીએ તો કાંટાઓનો મેદાન લાગે. દરેક વસ્તુના ફાયદા કે ગેરફાયદા હોય. મોબાઈલ જેટલો ઉપયોગી છે, એનાથી વિરુદ્ધ એ નુકશાનકારક છે. એક પ્રસંગ કહું તો, " એક વ્યક્તિએ અપરાધ ભાવ અને ગુસ્સા સાથે ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું. ધીમે ધીમે એનો ખરાબ ઉપયોગ થતો ગયો. જે-તે સમયે એને જાણ થઈ, " હું કેટલો ખરાબ કામ કરી રહ્યો છું. " એ વ્યક્તિને પોતાનો અપરાધભાવ સમજાયો અને એ ખ્યાલ પડ્યો, " વાવીએ તેવું લણીએ ", પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. એના હાથ જાણે કોઈએ દોરીથી બાંધી દીધાં. સમસ્યામાં એટલો ગૂંચવાયો કે યોગ્ય માર્ગ ન મળ્યું. ધીમે ધીમે દુઃખ-વેદનાના કારણે ડિપ્રેશનમાં જઈને બેસી ગયેલો. અવકાશનું પ્રકાશ એટલું તેજ હતું કે એ વ્યક્તિને સમજ આવી ગઈ. સમય જતાં પોતામાં પરિપકવતાને સ્થાન આપ્યું. પોતાનો અપરાધ સ્વીકારીને ડિપ્રેશનમાંથી મુક્ત થઈ ગયો. " આજના આધુનિક સમયમાં આવા મોબાઈલથી થતાં પ્રસંગો કેટકેટલાંય આપણી નજર સમક્ષ ભજવાતાં હોય છે. મુખ્ય બાબત એ શીખવી કે કોઈ પણ કાર્ય કરવા પહેલાં એના વિશે એક વાર પોતાની જાતને પ્રશ્ન કરવો કે, " હું જે કરું છું એ યોગ્ય છે ? " પછી જીવનમાં ડુંગરાના કાંટા ક્યારેય નહિ વાગે.
સમયે સમયે બદલાતી ટેકનોલોજીએ માનવીને દોડતો- ભાગતો કરી દીધો. જેમ સુવિધાઓ વધતી જતી એમ ઈચ્છાઓ અને અપેક્ષાઓમાં પણ વધારો થતો. એમાં મોબાઈલ તો જાણે શ્વાસ બનીને ધડકી રહ્યો. આ ડિજિટલ માધ્યમ લાગણી વિનાનો થઈ ગયો. માત્ર ઔપચારિતા જ રહીને વસી ગઈ. કોઈનો જન્મદિવસ હોય કે હોય કોઈની વર્ષગાંઠ. પણ અભિનંદન પાઠવવાનું રહી ગયું તો ? શું થાય ?
" 'Mobile' ના યુગમાં 'Wish' નો ઢગલો જોવા મળે,
કોણે ' Wish ' કર્યું ને કોણે ન કર્યું એનો ઉહાપો ઉપડે,
આ વર્ષ એણે મને ' Wish ' ન કર્યું,
તો આવતાં વર્ષે હું પણ ન કરું નો બદલો જોવા મળે,
'Wish ' ના આધાર પર સંબંધો ચાલે,
' Wishes' ની દુનિયામાં કેટલા સંબંધો તૂટ્યા,
તેની તો માત્ર કલ્પના જ કરવી રહી."
મોટાં તો મોટાં પણ આજે નાના બાળકોને પણ મોબાઈલની આદત પડી. નાનકડું બાળક ખાવામાં ફાંદા કરે તો વિડિયો ચાલું કરીને બતાવી દો તો ઝટપટ ખાવામાં ધ્યાન આપે. શેરી રમતો તો જાણે લૂપ્ત થઈ ગઈ. મોબાઈલમાં ફ્રી ફાયર, પબજી, લુડો, કેન્ડી ક્રશ, એન્ગ્રી બર્ડ્સ જેવી રમતો તો જમવાનું મૂકીને પણ રમવા બેસી જાય. આળસુ વ્યક્તિ ટેલિફોનના લીધે માનસિક રીતે અસ્વસ્થ બની ગયો છે. આમ ક્યાંક મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરી ભવિષ્ય સુંદર બનાવ્યું અને ક્યાંક એમાં જ ભવિષ્ય ખોરવાઈ ગયું. ટેકનોલોજીનો ઉપયોગ જો યોગ્ય પ્રમાણમાં મપાઈ જાય તો જીવન જીવવાની જડીબુટ્ટી આપણા હાથમાં હોય. આમ, જીવન જીવવાની દોર મોબાઈલના હાથમાં ન રાખીને પોતાના ધ્યેય, સફળતાં અને સિદ્ધાંતો સાથે જીવીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો