Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ 


 નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે,
વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે.

વખાણેલી ખિચડી દાઢે વળગી ગઈ છે,
જાહેરખબરમાં ચમકવું એ શાન ગણે છે

 હવાનો ફુગ્ગો ટક્કર ઝીલી શકયો નહીં,
 ટીમના પ્રદર્શનમાં કંઈ દમ હતુંજ નહીં.

 દશેરાના દિવસે ઘોડો દોડયો જ નહીં,
 જીત માટે મરણિયો પ્રયાસ થયો નહીં.

ભાવના ભારતીય જનતા નિરાશ બની,
 આશા સૌની આજે તો નિરાશા બની.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*

Parichay Talks (Freend Book) Dt :-9-12-23 25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ. કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ

25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ

      મહિલાઓ પર થતી હિંસા સામે તેમને માનવ અધિકારનું હનન રોકવા આ દિવસની ઉજવણી થાય છે. ભારતીય મહિલાઓને પણ 1947 ની આઝાદી મળ્યા બાદ પણ પોતાના હકો માટે લડવું પડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનાં એક સર્વે મુજબ દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા અને છોકરીઓ પોતાના જીવનકાળ દરમિયાન શારીરિક અથવા જાતિય હિંસાનો ભોગ બને છે. મહિલાઓ સામે થતી હિંસાને ઉજાગર કરવા માટે આ દિવાસ ઉજવવામાં આવે છે. ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી શા માટે આત્મહત્યા કરે છે? એમની પાછળનું કારણ પણ કંઈક ઘરેલુ હિંસા રહેલી છે. મહિલાઓની આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા કે અન્ય અણબનાવ પણ બનાવવાનું કારણ હોઈ શકે. દર વર્ષે આ દિવસે મહિલાઓ પ્રત્યેની તેમની વિચારસરણી બદલવા માટે અને મહિલાઓને તેમની અધિકારની માહિતી આપવા માટે અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ દિવાસ વિશ્વભરમાં ઉજવાય છે. મહિલાઓને શિક્ષિત કરીએ, મહિલાઓને સન્માનિત કરીએ અને મહિલાઓનું સન્માન જાળવીએ. મહિલાઓનાં સ્વમાનનું આદર થાય ત્યારે જ ખરા અર્થમાં મહિલા સશક્ત બનશે.
   આજે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે ત્યારે એટલું જ કહેવાનું કે કોઈ સંસ્થા એ વ્યક્તિની મદદની રાહ જોવા કરતા મહિલાએ પોતે જ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આજે શિક્ષિત મહિલાઓ પણ અન્યાય સહન કરતી જોવા મળે છે ઘરેલું હિંસાનો સામનો કરતી જોવા મળે છે.આ ઉકેલ ત્યારે જ આવશે જ્યારે મહિલા ખુદ જાગૃત થશે. આના માટે મહિલા પોલીસ કાયદાની અને પોતાના સ્નેહીજનોની મદદ જરૂર લઈ શકે. ઘણીવાર મહિલાઓ સમાજ અને આબરૂના ડરના કારણે અવાજ ઉઠાવતી નથી પરંતુ સહન કરવું એ જ ઉકેલ નથી જો તે એક ડગલુ આગળ વધશે તો મદદ માટે અનેક હાથ સામે આવશે.

Parichay Talks (ન્યૂઝ ઓફ ધ વિક) Dt :- 07-12-23 ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
 

             ઓબીસી એકતા પરિષદ રાજકોટ દ્વારા ઓબીસી, એસી, એસટી અને લઘુમતી સમુદાયનાં કાર્યકર્તાઓના સ્નેહમિલન નો કાર્યક્રમ તારીખ બીજી ડિસેમ્બર શનિવારના રોજ સાંજે પાંચ કલાકે ગાર્ડન રેસ્ટોરન્ટ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો. ઓબીસી એકતા મંચ પરિષદનાં સંસ્થાપક શ્રી વેરશીભાઈ ગઢવી, માલધારી સમાજના અગ્રણી શ્રી કરણાભાઈ માલધારી , ઓબીસી એકતા મંચ પરિષદ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ બોડીયા, રાજકોટના ઓબીસી એકતા પરિષદ પ્રમુખશ્રી રવિભાઈ ચૌહાણ, મૂળ નિવાસી સમાજ અગ્રણી ઉત્તમભાઈ રાઠોડ, આરીફભાઇ ધોણીયા, મહિલા અગ્રણી ડૉ. વનિતાબેન રાઠોડ, ઓબીસી અગ્રણી યુનુસભાઇ સપા, નિવૃત સેશન જજ શ્રી કનુભાઈ રાઠોડ, અરવિંદભાઈ સરવૈયા ઓબીસી એકતા પરિષદ, ભરતભાઈ સુથાર , આહિર મહિલા અગ્રણી શ્રી નિરૂબેન આહીર વગેરે હાજર રહ્યા હતા. ઓબીસી એકતા પરિષદનાં આ સ્નેહમિલનમાં મુખ્ય વક્તા તરીકે  પ્રો. ડૉ. જે.ડી.ચંદ્રપાલ સાહેબે ઓબીસી એકતા પરિષદને મજબૂત બનાવવા તથા જાતિજન ગણનાની આવશ્યકતા વિશે ઉદબોધન કર્યું. આ ઉપરાંત આ સ્નેહમિલન નહીં પરંતુ ઓબીસી સમાજ જાગૃત બને તથા ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી સમુદાયને સમાજમાં મળતાં લાભો તથા ભારતીય સંવિધાનનું અમલીકરણ થાય તે માટે વિચાર વિમર્શની જરૂરિયાત અંગે સૌને જણાવ્યું. મહિલા આરક્ષણમાં પણ ઓબીસીની મહિલાઓનું જાતિ જન ગણના મુજબ આરક્ષણ મળે તેની અગત્યતા અને અનિવાર્યતા સૂચવી. ઓબીસી એકતા પરિષદ રાજકોટમાં તમામ ઓબીસી સમાજ, એસસી, એસટી અને લઘુમતી સમુદાયના લોકો જોડાઈ અને એક જૂથ બની ઓબીસી સમાજને મળતા લાભની રક્ષા થાય તે અનિવાર્ય છે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 07-12-23 - જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવી રામપરા પ્રા. શાળાના બાળકો ઝોન કક્ષાએ કૃતિ રજુ કરશે

જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવી શ્રી રામપરા પ્રા. શાળાના બાળકો ઝોન કક્ષાએ કૃતિ રજુ કરશે.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત જિલ્લા કક્ષાએ 6થી8 નવેમ્બર-2023ના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયેલ જેમાં ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિતિનભાઈ કૈલાના માર્ગદર્શન નીચે "સુપર ફૂડ્સ મિલેટ્સ" વિષય પર કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાળવિજ્ઞાનિકો કોશિયાણી સચિન અને ડેકાણી ભૂમિકાએ  સ્વાસ્થ્યમાં મિલેટ્સનું મહત્વ સમજાવી વિવિધ મિલેટ્સના નમૂના અને મિલેટ્સમાથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી-બોટાદ તથા માનનીય કલેકટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદ થતા શાળા પરિવારમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. આગામી દિવસોમાં આ કૃતિ બોટાદ જિલ્લાનું  પ્રતિનિધિત્વ કરશે.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 22-09-23 - આત્મહત્યા એ ઉપાય નથી...... કવયિત્રી , લેખક :- ભાવના ભટ્ટ - અમદાવાદ

 Parichay Talks (લેખકની કલમે) Dt :- 22-09-23 - આત્મહત્યા એ ઉપાય નથી......   કવયિત્રી , લેખક :-  ભાવના ભટ્ટ - અમદાવાદ
#parichaytalks @parichaytalks #amrutdhara @amrutdhara #parichay @parichay #purusharthnoparichay @purusharthnoparichay



          અડગ મનના માનવીને કોઈ ડગાવી શકે નહીં ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ રસ્તો શોધી જ લે. ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફુજીયામા... આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝન પર્વતમાળા જુગ જુગ વિતી જવા છતાંય આજે પણ અડગ, અડીખમ ઊભા છે ! એ જ સર્વ વિજયી અદા અને ઝિંદાદિલીના જુવાળ સાથે!  તોફાનો આવે ને જાય, આંધી તુફાન આવે ને વિદાય લે ... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય પણ પહાડ નિશ્ચલ ઊભા રહે છે ... અડગ ઊભા રહે છે. માનવ નાની નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે...  અને પછી આત્મહત્યા કરે છે પણ દોસ્તો હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખી જુવો તો દુનિયાની કોઈ તાકાત તમને નમાવી નહીં શકે....
            વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે... એમ જીવનમાં આવનાર તોફાન જ આપણાને નવો રસ્તો બતાવે છે. તમારી કસોટી થાય કે તમારી પરિક્ષા તો હારી ના જશો અડગ રહેજો કારણ કે પરીક્ષા એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી તેઓ 'પાસ' નથી થતા એ તો માસ પ્રમોશનની જમાતમાં ભળી જાય છે... માટે જ પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે.... મોતી તો ગહેરાઈમાં હોય.... 
           સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં..
આ કાળાં માથાનો માનવી ધારે તે કરી શકે ! પણ ચંદ્રમાં પર પગલાં મુકવાની મસ મોટી ડંફાસો મારનાર માનવીને પરિવાર સાથે જીવતા નથી આવડતું... આ કેવી કરૂણતા છે? જેનાં હજુ સુધી કોઈ શિબિર ચાલુ નથી થયા..
           આત્મહત્યા તો કાયરતા છે જિંદગીમાં દરેક વસ્તુનાં રસ્તા હોય છે એ માટે આપણાં જ કુટુંબમાં કે સગાંવહાલાં માં કોઈ એવી વ્યક્તિ ને શોધો અને નિખાલસ મને તમારી મુસિબત ની ચર્ચા કરો જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જાય... માટે આત્મહત્યા કરવાનો વિચાર આવે કે કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો મનને અડગ બનાવો પણ ભીરુતા ભર્યું પગલું નાં ભરો જેથી તમારાં માતા-પિતા ને કે પરિવાર ને નીચું માથું ઘાલી ફરવાનો વારો આવે... કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં મનને શાંત રાખવું અને વિચારવું... કે હું આ પગલું ભરુ છું એ યોગ્ય છે?
            આત્માહત્યા કર્યા સિવાય શું કોઈ જ રસ્તો નથી? આમ બન્ને પાસાં નો વિચાર કરવો... આ જિંદગી એ ઈશ્વર ની દેન છે તો  કોઇ પણ રીતે જલસો કરીએ.
સારા કર્મો કરીને મરીએ કે નરશા,
આત્મા સિવાય કોણ જાણે છે. 
સ્વર્ગ નર્કની ચિંતા છોડો,
મહાલવુ જ છે તો રસ્તો કરીએ.
આત્મા ના સવાલો ને દબાવીને, 
બહારથી તો શરીફ બની ફરીએ. 
ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,
આત્માને મારી ને જીવ્યો આ દુનિયામાં. 
ભાવનાઓમાં ગફલત થઈ ને લપસ્યો એ તો, આત્મબળ થી આવો પડતાં ને બેઠાં કરીએ. આત્મા ને પથ્થર કરીને વહોરી છે પીડા, આત્માના સવાલો ના જવાબ મેળવી ચાલો ભુક્કો કરીએ ખોટાં વિચારોનાં.
            આત્મા હત્યા નો વિચાર જ ખોટો આવ્યો‌ છે એને મગજ અને મનમાં થી ખંખેરી નાંખીએ. સાંભળી આત્માનો અવાજ જવાબ વહેતો કરીએ અને ગમે તેવી મુસિબતોમાં પણ અડગ બનીને જીવીએ તો જ માણસ કહેવાઈ એ.. આમ નાની નાની વાતોમાં ભાંગી પડી ને આત્માહત્યા કરી લેવી એ અડગ મનના અને મજબૂત મનોબળ વાળા માણસો ને નાં શોભે.... માટે જ કહેવામાં આવ્યું છે કે... "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.. "..
તો તમે વિચારો કે તમે કેવાં માનવી છો?
તમે કોઈ ને સુખી નાં કરી શકો તો કોઈ ને દુઃખી કરવાનો અધિકાર પણ તમને નથી...
માટે ઝઝૂમો જિંદગી સામે અને જીવો ખુબ મજેથી...
પણ આત્મહત્યાનાં પગલાં નાં ભરશો... આ માનવ અવતાર એક જ વાર મળે છે માટે જિંદગી જરૂર જીવો એક દિવસ સફળતા તમારા ચરણોમાં હશે...

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-09-23 બોટાડની ઈતરીયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-09-23 બોટાડની ઈતરીયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

         શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવી. શાળાની સંગીત વૃંદ દ્વારા રક્ષાબંધન ગીતો સાથે શાળાની બહેનો દ્વારા દરેક ભાઈને રાખડી બાંધવા માં આવી. સાથે શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વ વિશે મહત્વ સમજાવ્યું.વિશેષ શાળાની બહેનોએ જાતે રાખડીઓ બનાવી હતી.ત્યારબાદ શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાંપડિયા દ્વારા રક્ષાબંધન પર્વનું ધાર્મિક મહત્વ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર વક્તવ્ય આપવા માં આવ્યું. શાળા પરિવારના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ ઉમેશ્રી ડીઝાઇનીંગ સ્ટુડિયો આણંદની મુલાકાત લીધી

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ ઉમેશ્રી ડીઝાઇનીંગ સ્ટુડિયો આણંદની મુલાકાત લીધી

          મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે  ફેશન ડીઝાઇનીંગ વિભાગની વિધાર્થીનીઓ એ આણંદ ખાતે આવેલ ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. 
           નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે. તેમજ ફિલ્મી સ્ટુડિયો, ફેશન ડીઝાઈનીંગ સ્ટુડિયો વગેરેની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગ રૂપે ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયો, આણંદની મુલાકાત લેવામાં આવી હતી. 
          આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ, દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે તે અંગે ની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લે છે અને ફિલ્મી સ્ટુડિયો, ફેશન ડીઝાઈનીંગ સ્ટુડિયો ની મુલાકાત લે છે. 
         આજના સમય માં ટેકનોલોજી, પર્સનાલીટીનું મહત્વ છે આજનો વિધાર્થી પર્સનાલીટીની સાથે ફેશનને પણ એટલું જ મહત્વ આપે છે, આથી ભારતના વિવિધ સ્થળો ઉપર ફેશન ડિઝાઈનીંગના સ્ટુડિયાની શરૂઆત થઇ છે, આ સ્ટુડીયા માં ભારતના ખ્યાતનામ ફેશન ડીઝાઈનરો આજના સમયની માંગ મુજબ વ્યક્તિએ કઈ રીતે પોતાની પર્સનાલીટી કેળવવી જોઈએ તેનું માર્ગદર્શન આ સ્ટુડીયોમાં આપતા હોય છે.    
         તેના ભાગ રૂપે ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયો, આણંદની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ ડીઝાઈનીંગ વિષે માહિતી મેળવી હતી. તેમજ NIFDના ફેકલ્ટી અને ફેશન ડીઝાઇનર રાહુલ જોષી દ્વારા ફેશન ડીઝાઇનના માર્કેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 18-09-23 ભાવનગરની લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું


Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 18-09-23 ભાવનગરની લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું
 

(મૂકેશ પંડિત) ઈશ્વરિયા

        ભાવનગરની લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે.
        કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું દર વર્ષે આયોજન થાય છે, જેના સત્તરમાં મણકામાં વિશિષ્ટ આયોજન થયેલ છે.
        આગામી સોમવાર તા.૧૧ના સવારે વ્યાખ્યાનમાં મૂ.મો.ભટ્ટના સાહિત્યનું વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને આચમન થશે. લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરા ખાતે સારસ્વત ભવનમાં આ વ્યાખ્યાન યોજાશે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 17-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે જી.એસ.ટી. વિષે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 17-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે  જી.એસ.ટી. વિષે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું

         મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.કોમ.  વિભાગ દ્વારા સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે જી.એસ.ટી. વિશે માર્ગદર્શન આપતું વ્યાખ્યાન યોજાયું હતું. 
         નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વર્ષ દરમિયાન વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે તજજ્ઞો અને વિષય નિષ્ણાત અધ્યાપકોનું માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી તેમનું વ્યાખ્યાન યોજવામાં આવે છે. અને વિધાર્થીનીઓને અભ્યાસ કાર્ય પૂર્ણ થયા બાદ તે તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવા હેતુથી મહાનુભાવો સાથે સાક્ષાત્કાર કરવામાં આવે છે. 
          ભારત સરકાર દ્વારા જી. એસ. ટી. અંગેનો કાયદો પસાર કર્યાબાદ જી. એસ. ટી.નું કાયદાકીય જ્ઞાન વિધાર્થીની ઓને હોતું નથી. ભવિષ્ય માં વિધાર્થીની જયારે પોતે કોઈ વ્યવસાય કે અન્ય ક્ષેત્ર માં જોડાઈ ત્યારે જી. એસ. ટી.ના કાયદા વિષે સમજ ખુબ જરૂરી બની છે. 
           નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરના બી.કોમ. વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે ભાવનગરના જાણીતા એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ હિતેશ રાજ્યગુરુ દ્વારા જી. એસ. ટી.ના કાયદા વિષે વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-09-23 બોટાદના ગઢડાની જનડા શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટર કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 16-09-23 બોટાદના ગઢડાની જનડા શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટર કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો


         બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટરનું સંયુક્ત રીતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન CRC હરેશભાઈ અબિયાણી નીચે જનડા શાળાના આચાર્ય મનુભાઈ અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉગામેડી ક્લસ્ટર  તથા ટાટમ ક્લસ્ટરની કુલ 16 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ 32 ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતીઓ કુલ "પાંચ વિભાગમાં" વહેંચવામાં આવી હતી. દરેક બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની કૃતિની રજૂઆત ખૂબ જ ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવી હતી. 
        આ બધી જ કૃતિને જોવાનો લાહવો જનડા પ્રાથમિક શાળાના બાળકોએ, જનડા સરકારી માધ્યમિક શાળાના બાળકોએ, ઇંગોરાળા પ્રાથમિક શાળાના બાળકોએ અને ગ્રામજનોએ  લીધો હતો. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના અંતે દરેક કૃતિ રજૂ કરનાર બાળવૈજ્ઞાનિકોને CRC હરેશભાઈ અબિયાણી દ્વારા ઈનામ સ્વરૂપે દરેક બાળવૈજ્ઞાનીકને એક પેડ, પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલ માર્ગદર્શક ગુરુજીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા  જનડા પ્રાથમિક શાળા દ્વારા તમામ શાળામાંથી આવનારા બાળ વૈજ્ઞાનિકો તથા સાથે આવેલા માર્ગદર્શક ગુરુઓ અને અન્ય શાળામાંથી આવેલા ગુરૂજીઓ માટે જમવાની વ્યવસ્થા  CRC હરેશભાઈ અને જનડા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. CRC હરેશભાઈ અબીયાણી જનડા શાળાનું આયોજન  જોઈ  ખૂબ જ ખુશ થયા હતા અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...