ખરેખરતો કર્મ બળવાન છે, તેની બળવંતતાને કોણ પહોંચી શકે ?.... લેખિકા :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ
ખરેખરતો કર્મ બળવાન છે, તેની બળવંતતાને કોણ પહોંચી શકે ?.... લેખિકા :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ
" કર્મના ટેરવે આજ ચાલતી એ દુનિયા;
ભૂલના ફળ રૂપે ભોગવતી એ દુનિયા. "
આધુનિક સમયમાં માનવીનું જીવન ટેકનોલોજીના આધારે ચાલી રહ્યું છે. ટેકનોલોજીનો પગ પેસારો વ્યક્તિને ઘડિયાળના કાંટે દોડાવી રહ્યો છે. પોતા માટે સમય ન ફાળવીને અર્થ (નાણા)ની પાછળ માણસ ભાગી રહયો છે. એ સમયે આપણા મન, વચન અને કર્મથી ઐક્યતાનો ભાવ ક્યાંક પોતાની લાલચમાં વીસરી ગયો. સૂર્યના કિરણો પસાર થતાંની સાથે અને આથમતાંની વચ્ચે આપણે રોજબરોજ કેટલાંય વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ. ત્યારે ક્યારેક જાણતાં તો ક્યારેક અજાણતાં એવું કર્મ કરી બેસીએ છીએ કે જેનાથી એ કર્મનો ભોગવટો આપણા જીવનમાં આવે છે.
કીધાં કર્મ છૂટે ? ના, મિત્રો કીધાં કર્મ ન છૂટે...! કારણ કે આપણે જે કંઈ પણ કાર્ય રોજબરોજ કરીએ છીએ, એના ફળ રૂપે ખાટાં અને મીઠાં સ્વાદો જીંદગીમાં ઘર કરી જ જાય છે. જેવા કર્મ કરીશું એવો જ અરીસો આપણું પ્રતિબિંબ બનશે અને એ પ્રતિબિંબ આપણું વ્યક્તિત્વ બહાર લાવશે. ક્યારેક માનવી અણસમજુ બની જતો હોય છે. એટલે કે સાચી સમજણ ન હોવાના કારણે એવા કાર્યો કરી બેસે છે, જેના લીધે માનવીને હમણાં નહિ તો થોડાં સમય બાદ એનો ભોગવટો જરૂર મળે છે, પણ હા ! એ ભોગવટો સારો પણ હોઈ શકે અથવા ખરાબ પણ હોઈ શકે. કારણ કે એના મૂળમાં કર્મનું સિદ્ધાંત પડેલું હોય છે. અણસમજણથી કરેલું કાર્ય ક્યારેક નિરાશાજનક સાબિત થાય છે.
માનવમન ચંચળ હોય છે. ચંચળતા તેના સ્વભાવમાં વણાયેલી હોય છે. રસ્તા પર ચાલતા આપણું લક્ષ્ય માત્ર જે-તે જગ્યા પર પહોંચવામાં હોય છે. ગાડીથી જઈએ કે જઈએ પગપાળા, આપણા પગ નીચે અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ કચડાઈ જાય છે. તેમાં નાનામાં નાની કીડી તથા બીજા નાના જીવોનો સમાવેશ થાય છે. આપણાં મનમાં વેર ભાવ નથી હોતો પરંતુ અજાણતાં એ જીવ મરી જાય છે. તો પ્રશ્ન એ થાય કે અજાણતા થયેલા કર્મનો ભોગવટો મળે ? હા, અજાણતાં કરેલા કર્મનો ભોગવટો પણ આપણને અજાણ રૂપે મળે છે. ત્યારે આપણે પણ જાણ નથી હોતી કે આ શું થઈ રહ્યું છે ?
કેટલાંક એવા મિત્રોનો સંગ થઈ જાય છે કે તેઓના કાર્યો ( કર્મો ) કુકર્મોને પ્રેરે છે. આવાં દુર્ગુણો જન્મથી નથી હોતા, પરંતુ સંગના કારણે વ્યક્તિ વિકૃત બની જાય છે, અને કુકર્મો કરવા માટે ખરાબ કર્મ કરી બેસે છે. જો એને સાચી દિશા પ્રાપ્ત ન થાય તો એના કર્મો વધે છે, ને એના પરિણામ સ્વરૂપે ન સહી શકાય તેવી ભોગવટો જરૂર મળે છે. આમ સંગનો પ્રભાવ માનવીના જીવનમાં પડે છે. આત્મબળ નબળું પડવાના કારણે આપણે જાણતા કે અજાણતા કાર્યો કરી બેસીએ છીએ. માટે કયો માર્ગ સત્ય છે અને કયો માર્ગ સત્ય નથી ? એના વિચારે માનવી ચડતું નથી. પરિણામે સારા કે નઠારા કર્મના ફળ રૂપે તેનો ભોગવટો ભોગવીએ છીએ.
' જીવન જીવવું મુશ્કેલ છે ' એ ખ્યાલ તદ્દન ખોટો છે. હા, ડગલે ને પગલે કોઈને કોઈ સમસ્યાઓ નડતી રહે છે; પરંતુ તે આજીવન ઘરમાં બેસતી નથી. બીજું જીવ શોધી પલાયન થઈ જાય છે. ' જીવન આસાન છે ' તેમ માનીએ તો શું થાય ? ' જીવન મુશ્કેલ છે ' તેમ માનીએ તો શું થાય આવા પ્રશ્નો વિચારોનું વૃંદાવન ઊભું કરે છે. જીવનને સહજતાથી સ્વીકારી લેવાની વૃત્તિ દરેકમાં નથી હોતી. વ્યક્તિઓ માને છે કે, ' જીવન ખરેખર તો આસાન જ હોવું જોઈએ. ' આટલી બધી મુશ્કેલીઓ કેમ આવે છે ? તેનામાં તકલીફો મારા ભાગે જ કેમ ? એવી વિચારધારા વ્યક્તિના મનમાં પડેલી હોય છે. કારણ કે વ્યક્તિને હંમેશા જીવન આસાન જોઈએ છે. આ બધું જ આપણા કર્મ થકી થાય છે. ન કરેલા કર્મો પણ હસતાં મુખે ભોગવવા પડે છે.
મનુષ્ય જીવનમાં સમસ્યા તો આવવાની જ. કારણ કે દરેક દિવસ એક સમાન નથી. ક્યારેક એવી સમસ્યાઓ આપણા સહેજ પણ નિયંત્રણમાં હોતી નથી. દા. ત., ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોય તો તેના માટે આપણે વર્તમાનમાં વાગોળીએ છીએ અને વર્તમાનને ખરાબ કરીએ છીએ. ભૂતકાળની દુઃખદ ઘટના ભૂલીને વર્તમાનમાં આપણે કયું કર્મ કરીએ, જેનાથી માન-સન્માન જળવાઈ રહે એ વિચારવું રહ્યું. વ્યક્તિમાં સહજતાના બી રોપાય છે. માનવ સ્વભાવ ઉતાવડીયું છે. કોઈ નાનકડી સમસ્યા આવી કે તરત ચોધાર આંસુડે રડવા બેસે. પરંતુ તે પણ જોવાની વાત છે કે સમસ્યાને પૂરેપૂરી સમજ્યા વગર જ નિર્ણય લઈ લે છે. પછી તેને ભોગવવું પડે છે અને હતાશ બને છે. કર્મ તો ઘટી ગયું. હવે, જો સુખની વાત હોય તો ખુશ થવાનું અને દુઃખની વાતે રડવા બેસવાની જગ્યાએ શાંત ચિત્તે વિચારવું. કર્મ કરતી વખતે શાંત ચિત્ત રાખીને તેના સારા કે નઠારા પરિણામોની ઝાખપ દેખાઈ આવે છે. હૃદય તો કહી જ દે છે કે, ' આ યોગ્ય અને આ અયોગ્ય. ' કારણ કે આપણા બધા માટે એક વાક્ય ઉચિત લાગેછે, ' મારું જીવન મારી જવાબદારી છે '
કોઈ કૃત્ય કે ખરાબ કામ કર્યા પછી તેનો આપણે પસ્તાવો થાય છે. પાછળથી આપણે તે કર્મ શા માટે કર્યું ? તે વિચારીને દુઃખી થઈએ છીએ; પરંતુ તે વિચારીને દુઃખી થવા કરતા તે કર્મ ફરી ન થાય તેનો દ્રઢ નિશ્ચય કરીને સારા કર્મ તરફ પ્રયાણ કરવું હિતાવહ છે. વ્યક્તિ શૈક્ષણિક ક્ષેત્રે કે વ્યાવસાયિક ક્ષેત્રે એક ધ્યેય નક્કી કરે છે. તે લક્ષ્યને સાથે રાખીને વ્યક્તિ આગળ ડગલાં માંડે છે. ત્યારે એ કર્મ થકી વ્યક્તિનું ઘડતર થાય છે, અને તેને સફળતા પ્રાપ્ત થાય છે. આ વિષયને વધુ સ્પષ્ટતાથી સમજીએ તો, " એક છોકરો દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની પરીક્ષા નજીક આવી રહી છે; પરંતુ તેનું મન મોબાઈલમાં પુરવેલું છે. અંતે તેનું પરિણામ નબળું આવે છે. હવે તે હતાશ થઈને ખૂણે બેસી જાય છે અને વિચારે છે કે, મેં પહેલા મહેનત કરી હોત તો ? પણ હવે શું થાય ? એ સમય હાથમાંથી સરકી ગયો. મોબાઈલમાં ધ્યાન પૂરવ્યું એ એક કર્મ થયું ને ? ફરી ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષામાં પાસ થયો. ત્યારે તેને હાશકારો અનુભવ્યો. " આવા તે કેટલાંય નાના નાના - સૂક્ષ્મ કર્મ હોય છે જે જોઈ શકાતા નથી. પરંતુ તેની પાછળથી જાણ થાય છે. એટલે ક્યારે કીધા કર્મ છૂટતા નથી.
ખરેખર, કર્મ બળવાન છે. તેની બળવંતતાને કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે તેમ નથી. વ્યક્તિ કર્મથી બંધાયેલા અનેક તાંતણા સાથે જોડાયેલો છે અને એની ગાંઠ દિવસેને દિવસે બંધાતી જાય છે. વધુ મુશ્કેલીઓ વધારતી જાય છે,જે ના થાય તે માટે આપ પણ સાવચેત રહો અને હોશિયાર રહો, સુરક્ષિત રહો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો