આઝાદ ભારતની તસવીરને કેમેરામાં કેદ કરનાર
ફોટો પત્રકાર હોમાઇ વ્યારાવાલાની માહિતી.
અંગ્રેજોના જમાનામાં મહિલાઓને આજ જેટલી આઝાદી નહોતી. તેમ છતાં એ સમયે દરેક ક્ષેત્રમાં કોઇ ને કોઇ મહિલા પગપેસારો કરવાનો પ્રયત્ન કરી રહી હતી. એ પ્રયત્નમાં દેશની પહેલી મહિલા ફોટો જર્નાલિસ્ટ હતી, એમનું નામ હતું હોમાઇ વ્યારાવાલા.
હોમાઇ વ્યારાવાલાનો જન્મ ગુજરાતમાં નવસારીમાં એક પારસી પરિવારમાં ૯મી ડિસેમ્બર, ૧૯૧૩માં થયો હતો. તેમનું બાળપણ સુરતમાં પસાર થયું અને થોડાં વર્ષ બાદ તેમનો પરિવાર મુંબઇ શિફ્ટ થઇ ગયો. હોમાઇને ભણવાનો બહુ શોખ હતો.
તેમના પિતા વધારે ભણેલાગણેલા નહોતા, તેમ છતાં હોમાઇના ભણતરમાં તેમણે કોઇ કસર બાકી રાખી નહોતી. હોમાઇના પિતા ઇચ્છતા હતા કે દીકરી અંગ્રેજી શીખે. તેથી તેમણે હોમાઇનું એડમિશન ગ્રાન્ટ રોડ હાઇસ્કૂલમાં કરાવ્યું હતું. મેટ્રિકની પરીક્ષા દરમિયાન ફક્ત હોમાઇ જ એકમાત્ર આખા વર્ગમાં પાસ થનારી વિદ્યાર્થિની હતી. આગળનો અભ્યાસ કરવા હોમાઇ મુંબઈ યુનિવર્સિટીમાં ગઇ જ્યાં આખા ક્લાસમાં સાત જ છોકરીઓ હતી.
હોમાઇએ ક્યારેય ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઝંપલાવવાનું વિચાર્યું જ નહોતું, પરંતુ થયું એવું કે હોમાઇની મુલાકાત માનેકશૉ વ્યારાવાળા નામના એક ફોટોગ્રાફર સાથે રેલવે સ્ટેશને થઇ. માનેકશૉ પાસેથી જ હોમાઇએ જાણ્યું કે ફોટોગ્રાફી એ બિઝનેસ નહીં પણ કલા છે. સામાન્ય લોકો માટે ફોટોગાફી જાદુ જેવી વસ્તુ હતી. હોમાઇએ જ્યારે એના વિશે જાણ્યું તેમને શીખવાનો શોખ જાગ્યો. પરિણામે ફોટોગ્રાફીમાં ડિપ્લોમા પણ કર્યું.
માનેકશૉ પાસે ફોટોગાફીની કલાને સમજતાં સમજતાં હોમાઈ તેમના પ્રેમમાં પડી ગયાં. છેવટે ૧૯૪૧માં તેમણે લગ્ન કરી લીધાં. હોમાઇએ પોતાની કરિયરની શરૂઆત પતિના આસિસ્ટન્ટના રૂપમાં કરી હતી. તેમના પતિ ફોટો પત્રકાર તરીકે કામ કરતાં હતા. હોમાઇ પતિને ગુરુ માનીને ઉત્તમ ફોટોગ્રાફર બની ગયાં. તેમ છતાં એ સમયમાં મહિલા દ્વારા પાડવામાં આવેલા ફોટાને મહત્ત્વ આપવામાં નહોતું આવતું. તેમ છતાં હોમાઇનો ફોટોગ્રાફી પ્રત્યેનો શોખ ઓછો થયો નહોતો.
હોમાઇની મોટાભાગની તસવીરો તેમના ઉપનામ ડાલડા ૧૩ના નામે પ્રકાશિત થતી હતી. ૧૩ હોમાઇનો લકી નંબર હતો. હોમાઇનો જન્મ ૧૯૧૩માં થયો, થનાર પતિને ૧૩ વર્ષની ઉંમરે મળ્યાં. તેમની પહેલી કારનો નંબર ડી.એલ.ડી. ૧૩ હતો. આ જ ડી.એલ.ડી. ૧૩ને કારણે તેમનું નામ ડાલડા-૧૩ પડ્યું હતું.
૨૦મી શતાબ્દીમાં હોમાઈ પતિ સાથે દિલ્હીમાં જઇને વસ્યાં. એ વખતે દેશમાં સામાજિક અને રાજકીય પરિવર્તન આવી રહ્યું હતું. આઝાદ ભારતના જન્મને અને આઝાદ ભારત સાથે જોડાયેલી લોકોની ભાવનાને તેમણે પોતાના કેમેરામાં કેદ કરી હતી. આમ તો હોમાઇએ અનેક ઐતિહાસિક તસવીરોને હંમેશ માટે જીવંત કરી દીધી હતી.
આ ઉપરાંત મહત્ત્વપૂર્ણ લોકોની છબીને પણ પોતાના કેમેરામાં કંડારી હતી. એમાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ, જેકલીન કેનેડી, દલાઇ લામા, લોર્ડ માઉન્ટ બેટન, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી પણ સામેલ હતાં. હોમાઇ એ જવાહરલાલ નહેરુના રાજકીય જીવન અને પર્સનલ જીવનની તસવીરોને પોતાના કેમેરા દ્વારા જીવંત કરી હતી.
પતિના મૃત્યુ પછી ૧૯૬૯માં તેમણે ફોટોગ્રાફી છોડી દીધી હતી. તેમણે કરેલાં ઉત્તમ કામ બદલ ભારત સરકારે પદ્મ વિભૂષણથી તેમનું સન્માન કર્યું હતું. તેમની તસવીરોને આર્ટ ગેલેરીમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે. તેમના દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો દુનિયા જોવાના તેમના નજરિયાને દર્શાવે છે. આઝાદ ભારતને કેમેરામાં કેદ કરનાર હોમાઇ એ ૧૫ જાન્યુઆરી,૨૦૧૨ના વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. હોમાઈ પોતે કરેલી કામગીરી દ્વારા અમર થઈ ગયાં છે.
------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો