Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 6-08-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાઈ ભાવભરી વિદાય
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની જિલ્લા ફેરબદલીથી બદલી થતા તેઓને જનડા પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા અશ્રુ ભીની આંખે વિદાય આપવામાં આવી. આ ત્રણેય શિક્ષકોમાં અગોલા બીપીનભાઈ અને છત્રોલા નીતાબેનની બોટાદ નગરપાલિકામાં જિલ્લા ફેરબદલી થતા તેમજ જળુ નિકુંજભાઈની અમદાવાદ મહાનગરપાલિકામાં બદલી થતાં વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિદાય કાર્યક્રમ અંતર્ગત ત્રણેય શિક્ષકોને શાળાની બાળાઓ દ્વારા સૌપ્રથમ કંકુમનો ચાંદલો કરી તેઓને રક્ષા પોટલી બાંધવામાં આવી હતી. તેમજ ત્રણેય શિક્ષકોને ગુલદસ્તો આપી અને છાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણેય શિક્ષકોએ અશ્રુભીની આંખે પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ત્યારબાદ શાળાના શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા ત્રણેય શિક્ષકોને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમના અંતે વિદાય લઇ રહેલા ત્રણેય શિક્ષકોને શાળાના વિદ્યાર્થીઓએ અબીલ અને ગુલાલથી અભિવાદન કરી તેઓના આશીર્વાદ લીધા હતા. કાર્યક્રમની અંતિમ ઘડીએ શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ વિદાય રહેલા શિક્ષકોની આંખોમાં ગંગા-જમના વહેવા માંડી હતી. તેમજ લાગણીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમની સાથે સાથે શાળાના શિક્ષકો તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો