અસ્તિત્વનો અર્થ શોધતી આજની નારી................
લેખક :- વર્ષા ભટ્ટ ( વૃંદા) - અંજાર
ભારત પરંપરાગત દેશ તરીકે ઓળખાય છે. અહીં નારીને ત્યાગ અને સમર્પણની દેવી માનવામાં આવે છે. એક નારીને જ ઈશ્વરે એવી શક્તિ આપેલી છે કે તે તેનાં જેવાં બીજાં માનવને જન્મ આપી શકે છે.
આજનાં સમયમાં અભ્યાસ વધતાં નારી પોતાનાં પગ પર ઉભી રહેતાં શીખી છે, છતાં પણ હજુ ઘણી જગ્યાએ નારી અત્યાચારનો ભોગ બની છે. શિક્ષણ અને અભ્યાસ વધવા છતાં આજની નારી પોતાનાં અસ્તિત્વનો અર્થ પણ આજ સુધી શોધી શકી નથી. કોઈ જગ્યાએ નારી પોતાનાં સપનાંઓ પૂરાં કરવાં નોકરી કરતી હોય છે, તો ક્યાંક પોતાનાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા નોકરી કરે છે. નારીને સૃષ્ટિની એક સુંદર અને સુકોમળ કૃતિ ગણાવી છે. જે ઘરને પોતાની દયા, કરૂણા, મમતાથી બાંધી રાખે છે, પણ હાલની પરિસ્થિતિ જોતાં બધું ઉલટું લાગે છે. આજનાં સમયમાં પતિ પત્ની બંને જોબ કરતાં હોય, ત્યારે બંનેને પ્રેમ તો શું નિરાતે વાતચીત કરવાનો પણ સમય મળતો નથી. કયારેક જોબને કારણે પતિ પત્ની દિવસો, મહિનાઓ સુધી એકબીજાને મળી શકતાં નથી.
આજનાં સમયમાં આધુનિક ઉપકરણો વધ્યાં છે, પણ પ્રેમ, મનની શાંતિ, શોધ્યાં પણ જડતાં નથી. કોઈકે સાચું જ કહ્યું છે કે જો તમારો પરિવાર આર્થિક રીતે સદ્ધર હોય તો એક સ્ત્રીએ નોકરી ન કરવી જોઈએ. એક સ્ત્રી નોકરી કરે તો બાળકની જવાબદારી ઉપાડી શકતી નથી. ઘરનાં કામો, પતિ પત્નીનો પ્રેમ એવું કશું રહેતું નથી. સાંજ થતાં થાકેલાં પતિ પત્ની એકબીજા સાથે સમય પણ વિતાવી શકતાં નથી.
આધુનિકતાનો વાયરો ફેલાયો છે કે " આટલાં ભણ્યાં છે તો નોકરી તો કરવી જ જોઈએ." આ નોકરી તમારી ઘણી સુખદ ક્ષણોને હણી લે છે.
આજની નારીને ઘર, પરિવાર, બાળકો બધું મેનેજ કરતાં તે હંમેશા પોતાનાં અસ્તિત્વનો અર્થ શોધતી રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો