સિહોરના ધ્રુપ્કામાં બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વેકેશન પ્રવ્રુતિનૂ આયોજન કરાયું
હાલમાં દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં શાળાઓ અને કૉલેજોમાં બંધ છે. આ સમયગાળા દરમ્યાન બાળકો શિક્ષણથી વિમુખ ન થઇ જાય આથી કેટલીક શાળાઓ દ્વારા વિશેષ અને વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા આ બાબતે વિશેષ આયોજન હાથ ધરાયું છે. જાણીતા લેખક ડૉ.નિમિત્ત ઓઝાનું કહેવું છે કે બાળકોને મૂછાળીમા એટલે કે ગિજુભાઇ બધેકાનું તમામ સાહિત્ય વંચાવો. આ થીમ આધારિત ધ્રુપકા શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા બાળકોને ગિજુભાઇની બાળવાર્તાઓના આધારે વાંચનની પ્રેરણા અપાઇ રહી છે. હિંમતભાઇ દ્વારા ગિજુભાઇની બાળનગરી, અરેબિયન નાઇટ્સ, બાળકોનો બિરબલ, પંચતંત્રની વાર્તાઓ આ પ્રકારની બાળવાર્તાઓ અને ગુજરાતી ભાષાની જાણીતી કહેવતો વંચાવવામાં આવે છે.
ઉપરાંત ગુજરાતી -108 શબ્દોના માધ્યમથી લેખન અને વાર્તાઓ અને તેમાંથી પ્રશ્નો બનાવી બાળકોની મૌલિકતા વધારવા અને લેખિત વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વૅકેશન દરમ્યાન હોંશભેર શાળાએ આવે છે. સવારે સાત વાગ્યે શાળા ખૂલી જાય છે. ઉપરાંત આજના સમયની માંગ મુજબ બાળકોને કોમ્પ્યુટર પણ શિખવવામાં આવે છે.વાંચન,લેખન અને ગણનની પ્રક્રિયા જો એકવાર મજબૂત બની જાય તો બાળકની શૈક્ષણિક પ્રગતિ બહુ સારી થતી હોય છે. ગ્રામ્ય લેવલે બાળકોને જો નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે તો મોટાં થઇને કારકિર્દી માટેની પરીક્ષાઓમાં તેઓ સફળ થઇ શકતા હોય છે. આ માટે ધ્રુપકા શાળામાં વૅકેશન દરમ્યાન પી.એસ.ઇ., એન.એમ.એમ.એસ.ની પરીક્ષાની પણ તૈયારી કરાવવામાં આવે છે. ઉનાળુ વૅકેશન દરમ્યાન ચાલી રહેલ આ યજ્ઞમાં બાળકો હોંશભેર ભાગ પણ લઇ રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો