Parichay Talks (Education News) Dt :- 26-05-23 રાજકોટ કોર્પોરેશન માંથી એકમાત્ર સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી.

રાજકોટ કોર્પોરેશન માંથી એકમાત્ર 

સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી.

        શ્રી વિનોભા ભાવે સરકારી શાળા નં.93ની કરોડોના ખર્ચે થશે કાયાપલટ, સ્કૂલ ફૉર રાઇઝિંગ ઈન્ડિયા.. સ્કૂલ ફૉર રાઇઝિંગ રાજકોટ..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાની શાળા કહી શકાય તેવી મોડલ શાળા બનશે રાજકોટમાં


        કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં 14500, ગુજરાતમાં 274 શાળા, રાજકોટ જિલ્લામાં 12 અને રાજકોટ કોર્પોરેશનમાં એક શાળાની પસંદગી પીએમ પ્રોજેક્ટ માટે કરવામાં આવી

        ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરની સરકારી શાળાની કાયાપલટ કરવા માટે ગત વર્ષે પીએમ પ્રોજેક્ટનો વિચાર રજૂ કરી પોતાના સપનાની શાળા વિશેની વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક મોડેલ સ્કૂલ કેવી હોવી જોઈએ અને તેમાં શું-શું હોવું જોઈએ તેનો અભ્યાસ અને સંશોધન હાથ ધરીને અંતે પીએમ શ્રી પ્રોજેક્ટ દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. પીએમ શ્રી પ્રોજેક્ટમાં ભારતભરમાંથી 14500 શાળાની પસંદગી થઈ છે જેમાંથી ગુજરાતમાંથી 274 શાળા, રાજકોટ જિલ્લામાંથી 12 અને રાજકોટ કોર્પોરેશનમાંથી એક શાળાની પસંદગી કરવામાં આવી છે.

        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન-મિશન દ્વારા નિર્મિત પીએમ પ્રોજેક્ટ હેઠળ રાજકોટના નાનામૌવા વિસ્તારમાં આવેલી શ્રી વિનોભા ભાવે પે સેન્ટર શાળા નંબર 93ની પસંદગી કરવામાં આવી છે. પીએમ પ્રોજેક્ટમાં પસંદગી થતા શ્રી વિનોભા ભાવે સરકારી શાળાની કરોડોના ખર્ચે કાયાપલટ થશે. આ શાળાનું અતિ આધુનિક ઢબે નવનિર્માણ કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર તમામ સહાયતા કરશે અને રાજકોટમાં પણ નવી શિક્ષણ નીતિ મુજબ એક મોડેલ સ્કૂલ કાર્યરત જોવા મળશે. આ મોડેલ સ્કૂલમાં બાળકો માટે જરૂરી તમામ સુવિધાઓ તો હશે જ સાથે વાલીઓ અને શિક્ષકો માટે પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી શૈક્ષણિક સ્તર પર નોંધપાત્ર સુધારો આવશે. ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઈન્ડિયા - પીએમ યોજના અંતગર્ત 14500 સ્કૂલ્સને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા પીએમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. મોદી સરકારે 2022થી 2026 સુધીમાં આ પ્રોજેક્ટ માટે 27360 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેન્દ્ર સરકાર કુલ બજેટમાંથી આશરે 18128 કરોડ રૂપિયા આપશે, જ્યારે બાકીની રકમની જવાબદારી વ્યક્તિગત રાજ્ય સરકારોની રહેશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં 1800000થી વધુ વિદ્યાર્થીઓને આ પહેલનો લાભ મળવાનો છે, જેમાં સરકાર સંચાલિત શાળાઓનો સમાવેશ થાય છે. પીએમ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલી સ્કૂલ અન્ય સ્કૂલ માટે રોલ મોડેલ બનશે. રાજકોટ કોર્પોરેશનમાંથી એકમાત્ર સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી થતા હવે શહેરની સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ અને સુવિધાસભર શિક્ષણ મળવું સરળ બનશે. અત્રે નોંધનીય છે કે, રાજકોટ કોર્પોરેશનની સરકારી શાળા નં.93ના આચાર્ય વનિતાબેન રાઠોડને અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ચૂક્યો છે અને હવે તેમના સંચાલિત આ શાળાની પીએમ પ્રોજેક્ટમાં પસદગી થઈ છે.
 
** :- પીએમ પ્રોજેક્ટમાં પસંદ થયેલી સ્કૂલનું નામ અને યુનિફોર્મ બદલાશે

        પીએમ પ્રોજેક્ટમાં પસંદ થયેલી તમામ સ્કૂલનું સ્ટ્રક્ચર એક સમાન રહેશે. પીએમ પ્રોજેકટની સ્કૂલ શ્રી ભીમરાવ પ્રાથમિક શાળાના નામથી ઓળખાશે, તેનો યુનિફોર્મ પણ બદલવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બાલા પ્રોજેક્ટનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આધુનિક ભારતની એક અદ્યતન શાળા બનાવવા માટે પીએમ પ્રોજેક્ટમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ પીએમ શ્રી પ્રોજેક્ટમાં પસંદ કરાયેલી સરકારી શાળા પાસે ખાનગી શાળાઓ પણ ઝાંખી પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

** - પીએમ શ્રી સ્કૂલની શું છે વિશેષતાઓ?

પીએમ શ્રી સ્કૂલ મોડેલ સ્કૂલ હશે જે સંપૂર્ણપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત હશે. આ સ્કૂલને કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાનું વાર્ષિક ભંડોળ મળશે. પીએમ સ્કૂલને સંપૂર્ણ રીતે અદ્યતન ટેકનોલોજી આધારિત બનાવવામાં આવશે. સંપૂર્ણ સ્કૂલને અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલમાં માત્ર સ્માર્ટ ક્લાસરૂમ જ નહીં, કોમ્પ્યુટર લેબથી લઈને લેબોરેટરીઓ, લાઈબ્રેરીઓ અને અન્ય ઘણી બધી જગ્યાઓએ નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

        આ સ્કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવાશે. અહીં તમામ પ્રકારની ઈન્ડોર, આઉટડોર પ્રવૃત્તિઓ શીખવવામાં આવશે. ખાસ કરીને ડિસ્કવરી ઓરિએન્ટેડ અને લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ કરવામાં આવશે. જેથી બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની અને શોધવાની ક્ષમતાનો વિકાસ થાય, નહી કે ગોખવાની. રમત-ગમત અને રમકડાં આધારિત શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓને માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ રમત-ગમતમાં પણ અવ્વલ બનાવવામાં આવશે.

        પીએમ શ્રી સ્કૂલમાં આર્ટ રૂમ પણ હશે. એટલે કે બાળકોના વ્યક્તિત્વમાં સર્જનાત્મક કલાનો પણ બાળપણથી જ વિકાસ થશે. દરેક વર્ગમાં પ્રત્યેક બાળક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બધા જ બાળક કેટલું શીખે છે તે જાણવા તેમનું દરેક સ્તર પર મૂલ્યાંકન કરવામાં આવશે. સાથોસાથ આ સ્કૂલને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. તેમના કેમ્પસને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, પાણીના સંરક્ષણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધી વીજળીની બચતનું ધ્યાન રાખવામાં આવે. આ શાળાઓનો અભ્યાસક્રમ એવો હશે કે, બાળકો જીવનના તમામ ક્ષેત્રોમ સફળતા હાંસલ કરી શકશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...