માધ્યમિક શિક્ષકોની ભરતી માટે 4 જૂને ટાટની પરીક્ષા
18 જુને મુખ્ય પરીક્ષાનું આયોજન : 20 મે સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકની ભરતી માટે પાસ કરવાની ટાટની પરીક્ષાની જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ કસોટી આપવા માટે ઉમેદવારો 20 મે સુધી ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકશે. સ્કૂલ ઓફ એક્સેલન્સના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે ધો. 9થી 12 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો શિક્ષકોની ભરતી કરવામાં આવશે. અરજી કરનારા ઉમેદવારો ફોર્મ સાથે અંતિમ તારીખ સુધી ઓનલાઇન ફી ભરી શકશે. પરીક્ષા બોર્ડે ભરતીની સાથે પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. જે મુજબ તા. 4 જુને ટાટની પ્રાથમિક કસોટી લેવાશે અને ત્યાર બાદ તા.18 જુને મુખ્ય પરીક્ષા લેવાશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, સામાજીક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, કમ્પ્યૂટર, ચિત્ર, સંગીત, યોગ અને સ્વાસ્થ્ય તેમજ શારીરિક શિક્ષણ વિષયોની કસોટી યોજાશે. શિક્ષણ વિભાગે ધોરણ 9થી 12માં શિક્ષકોની ભરતી માટે લેવાતી ટાટની પરીક્ષાના માળખામાં ફેરફાર જાહેર કર્યા હતા. જે પ્રમાણે હવે ટાટ માટે પ્રાથમિક કસોટીની સાથે મુખ્ય કસોટી પણ લેવાશે. મુખ્ય કસોટી બાદ મેરિટ તૈયાર કરાશે. 60 ટકાથી ઉપરના ગુણ મેળવનારા ઉમેદવારોનો જ સમાવેશ મેરિટમાં કરવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેર કરેલી ભરતી નવા નિયમો પ્રમાણે થશે.
પ્રાથમિક પરીક્ષા200 ગુણની લેવાશે અને તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે. 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે જ્યારે બીજો ભાગ 100 ગુણનો જે તે ઉમેદવારોએ જે વિષય માટે અરજી કરી છે તે વિષય આધારિત હશે. બન્ને વિભાગનું એક જ પેપર હશે. ખોટા જવાબ દીઠ 0.25 માર્કસનુ઼ નકારાત્મક મૂલ્યાંકન રહેશે.
મુખ્ય કસોટીનું સ્વરૂપ પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેનાથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો માટે મુખ્ય કસોટી યોજાશે. જે વર્ણનાત્મક લેખિત રૂપની રહેશે. જેમાં પ્રશ્નપત્ર-1 ભાષા ક્ષમતાનું હશે. તેના 100 ગુણ હશે. બીજા ભાગમાં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના પ્રશ્નો હશે. બન્ને પેપર 100-100 ગુણના હશે. પેપર-1માં 150 મિનિટ અને પેપર-2માં 180 મિનિટ મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો